________________
તપોમાર્ગ
૨૦૩
અધ્યયન : ત્રીસમું
તપોમાર્ગ
આખો સંસાર આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખોથી ઘેરાયેલો છે. સંસારના સર્વ જીવો આધિ, વ્યાધિ અને ઉપાધિથી હણાઈ રહ્યા છે. કોઈ વખતે શારીરિક તો કોઈ વખતે માનસિક એમ દર્દીની તડામાર લાગી રહી છે, અને એ વ્યાધિથી બેજાર થયેલા જીવો તેનું નિવારણ સતત ઈચ્છી રહ્યા છે.
દરેક કાળમાં દરેક ઉદ્ધારક પુરુષ ભિન્નભિન્ન પ્રકારનાં ઔષધ આપે છે. ભગવાન મહાવીરે સર્વ સંકટોના નિવારણ માટે એક માત્ર ઉત્તમ કોટિની જડીબુટ્ટી આપી છે કે જે તપશ્ચર્યાને નામે ઓળખાય છે.
તપશ્ચર્યા મુખ્યત્વે બે પ્રકારમાં વિભક્ત કરી છે કે જે આંતરિક અને બાહ્યના નામે પ્રસિદ્ધ છે.
બાહ્ય તપશ્ચર્યા ખાસ કરીને અપ્રમત્ત રાખવા અર્થે છે. જો શરીર પ્રમાદી હોય તો તેની પ્રવૃત્તિ પાપ તરફ ઢળતી હોય છે અને તેવી પરિસ્થિતિમાં શરીર તથા ઇન્દ્રિયો સાધકને બદલે બાધક થઈ પડે છે. જ્યારે શરીર અપ્રમત્ત અને સંયમી બને ત્યારે જ આત્મ જિજ્ઞાસા જાગે છે અને ચિંતન, મનન, યોગાભ્યાસ, ધ્યાન વગેરે આત્મસાધનાનાં અંગોમાં પ્રવૃત્ત થઈ શકે છે.
તેથી જ બાહ્યતપશ્ચર્યામાં અણસણ (ઉપવાસ), ઉણોદરી (અલ્પાહાર) ભિક્ષાચરી (મળેલાં સાધનોનો પણ પરિમિત જ ઉપયોગ કરવો), રસ પ્રરિત્યાગ (સ્વાદેન્દ્રિય નિગ્રહ), કાયક્લેશ (દેહ દમનની ક્રિયા) અને વૃત્તિસંક્ષેપ (જીવનની જરૂરિયાતો ઘટાડતા જવું). આ છએ તપશ્ચર્યાઓ એકલાં અમૃત છે. તેનો જે જે દૃષ્ટિએ જેટલા પ્રમાણમાં ઉપયોગ થાય તેટલું પાપ ઘટે અને પાપ ઘટે એટલે ધાર્મિક ભાવ અવશ્ય વધ્યે જાય. પરંતુ તેનો ઉપયોગ પોતાની યોગ્યતા પ્રમાણે કરતાં રહેવું જોઈએ.
આંતરિક તપશ્ચર્યાઓમાં પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ (દેહાધ્યાસનો ત્યાગ) એ છ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ છએ સાધનો આત્મોન્નતિનાં ભિન્ન ભિન્ન પગથિયાં છે. આત્મોન્નતિના ઇચ્છુક સાધકો તેમાંથી ઘણું પ્રાપ્ત કરી શકે તેમ છે.