________________
૧૯૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૫૩. હે પૂજ્ય ! મનગુપ્તિથી જીવ શું પામે છે ?
મનના સંયમથી એકાગ્રતા (માનસિકલબ્ધિ) ઉત્પન્ન થાય છે અને એકાગ્ર ચિત્તવાળો જીવ સંયમનો આરાધક બને છે.
૫૪. હે પૂજ્ય વચનસંયમથી જીવ શું પામે છે ?
વચનસંયમથી તે વિકાર રહિત થાય છે અને નિર્વિકાર જીવ આધ્યાત્મિક યોગના સાધનોથી (વચન સિદ્ધિ) યુક્ત થઈ વિચરે છે.
૫૫. હે પૂજય ! કાયાના સંયમથી જીવ શું પામે છે ?
કાયાસંયમથી સંવર (પાપોનું રોકવું) અને તેમાથી કાયલબ્ધિ ઉત્પન્ન થાય છે અને સંવરથી તે જીવ પાપ પ્રવાહનો વિરોધ કરી શકે છે.
પ૬. હે પૂજ્ય ! મનને સત્ય માર્ગમાં (સમાધિમાં) સ્થાપવાથી જીવ શું પામે છે ?
મનને સત્ય માર્ગમાં સ્થાપવાથી એકાગ્રતા ઉત્પન્ન થાય છે અને એકાગ્રતા ઉત્પન્ન કરીને જીવ જ્ઞાનના પર્યાયો (અનેક શક્તિઓ) ઉત્પન્ન કરે છે. અને જ્ઞાનના પર્યાયોને ઉત્પન્ન કરીને સમ્યત્વની શુદ્ધિ કરે છે અને મિથ્યાત્વને દૂર કરે છે.
૫૭. હે પૂજય વચનને સત્યમાર્ગમાં સ્થાપવાથી જીવ શું પામે છે ?
વચનને સત્યમાર્ગમાં સ્થાપવાથી સમ્યકત્વના પર્યાયો નિર્મળ કરે છે. અને સુલભ બોધિત્વ પામે છે. તેમજ દુર્લભ બોધિત્વથી નિવૃત્ત થાય છે.
૫૮. હે પૂજ્ય ! કાયાને સંયમમાં સ્થાપવાથી જીવ શું પામે છે ?
કાયાને સત્યભાવે સંયમમાં સ્થાપવાથી ચારિત્રના પર્યાયો નિર્મળ થાય છે અને ચારિત્રના પર્યાયોને નિર્મળ કરીને અનુક્રમે યથાખ્યાત ચારિત્રની સાધના કરે છે. યથાખ્યાત ચારિત્રની વિશુદ્ધિ કરીને ચાર કર્માશોને ખપાવે છે. અને ત્યારબાદ તે જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને શાંત થઈ સર્વ દુઃખોનો અંત કરે છે.
પ૯. હે પૂજય ! જ્ઞાનસંપન્નતાથી જીવ શું પામે છે ?
જ્ઞાન સંપન્ન જીવ સર્વ પદાર્થોના યથાર્થ ભાવને જાણી શકે છે અને તે ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં દુઃખી થતો નથી. જેમ દોરાવાળી સોય ખોવાતી નથી તેમ જ્ઞાની જીવ સંસારમાં ભૂલો પડતો નથી અને જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનયના યોગોને પ્રાપ્ત કરે છે તેમ જ પોતાના દર્શન અને પરના દર્શનને બરાબર જાણીને અસત્યમાર્ગમાં ફસાતો નથી.