________________
સમ્યકત્વ પરાક્રમ
૧૯૫ એકાગ્રતા પામી તે જીવ રાત્રિ અને દિવસ (કદી) કોઈપણ વસ્તુમાં ન બંધાતાં એકાંત શાંતિ પામે છે અને અપ્રતિબંધપણે વિચરે છે.
૩૧. હે પૂજય ! એકાંત સ્ત્રી ઇત્યાદિ સંગ રહિત) સ્થાન, આસન અને શયનને ભોગવતાં જીવ શું પામે છે ?
તેવા એકાંત સ્થાનથી ચારિત્રનું રક્ષણ થાય છે અને શુદ્ધ ચારિત્રશાળી જીવ રસાસક્તિ છોડી ચારિત્રમાં નિશ્ચળ થાય છે. આવી રીતે એકાંતમાં રક્ત મોક્ષભાવને પામેલ જીવાત્મા આઠે પ્રકારનાં કર્મોનાં બંધનથી મુક્ત થાય છે.
૩૨. હે પૂજય ! વિષયવિરક્તિથી જીવ શું પામે છે ?
વિષય વિરક્તિથી નવાં પાપ કર્મો થતાં અને પૂર્વે બંધાયેલાં હોય છે તે ટળે છે. ને ત્યારબાદ તે જીવ ચાર ગતિરૂપ સંસાર અટવીને ઓળંગી જાય છે.
૩૩. હે પૂજ્ય ! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે ?
સંભોગના પ્રત્યાખ્યાનથી પરાવલંબનનો ક્ષય કરે છે અને તે સ્વાવલંબી જીવાત્માના યોગો ઉત્તમ અર્થવાળા થાય છે. તે પોતાના જ લાભથી સંતોષ પામે છે. બીજાના લાભની આશા કરતો નથી. તેમ કલ્પના, સ્પૃહા, પ્રાર્થના કે અભિલાષા પણ કરતો નથી. તે આવી રીતે અસ્પૃહી-અનભિલાષી બની ઉત્તમ પ્રકારની સુખશયા (શાંતિ) પામીને વિચરે છે.
નોંધ : સંયમીઓનાં પારસ્પરિક વર્તનોને સંભોગ કહેવાય છે. આવા સંભોગથી વિરમવું અર્થાત સૌથી નિર્લેપ રહેવું.
૩૪. હે પૂજ્ય ! ઉપધિ (સંયમીનાં ઉપકરણો)ના પચ્ચકખાણથી જીવ શું પામે છે ?
ઉપધિના પ્રત્યાખ્યાનથી તે પદાર્થના લેવા, મૂકવા કે સાચવવાની ચિંતાથી મુક્ત થાય છે અને ઉપધિ રહિત જીવ નિસ્પૃહી (સ્વાધ્યાય, ધ્યાન અને ચિંતનમાં નિશ્ચિત રહેનાર) થઈ ઉપાધિ ન મળે તો કલેશ પામતો નથી.
૩૫. હે પૂજય ! સર્વથા આહારના ત્યાગથી જીવ શું પામે છે ?
આહાર ત્યાગ કરવાની યોગ્યતાવાળો જીવ, આહાર ત્યાગથી જીવનની લાલસાથી મુક્ત બને છે અને જીવનનો મોહ છેદાવાથી તે જીવાત્મા આહાર વિના પણ ખેદ પામતો નથી.
૩૬. હે પૂજય ! કષાયના ત્યાગથી જીવ શું પામે છે ?
કષાયના ત્યાગથી વીતરાગભાવ ઉત્પન્ન થાય છે. અને વીતરાગભાવને પામેલા જીવને દુ:ખ અને સુખ સમાન બને છે.