________________
૧૮૮
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : ઓગણત્રીસમું સખ્યત્વ પરાક્રમ
પરાક્રમ, શક્તિ કે સામર્થ્ય તો જીવમાત્રમાં છે, પરંતુ વિશ્વમાં તેનો ઉપયોગ જુદી જુદી રીતે જુદા જુદા રૂપે થતો દેખાય છે. તે જ જીવોની ભિન્ન ભિન્ન ભૂમિકાઓ સૂચવે છે. જે શસ્ત્ર અન્ય પર ન વાપરતાં પોતા પર જ વાપરે છે તે શૂર ન ગણાતાં મૂર્ખામાં ખપે છે. તે જ પ્રકારે પ્રાપ્ત થયેલાં તરવાનાં સાધનોથી પોતે જ ડૂબે છે તે બાલજીવ કહેવાય છે.
જ્યારે બાલભાવ મટે છે ત્યારે સાથે સાથે તેની દૃષ્ટિ પણ પલટે છે. આ દષ્ટિને જૈનદર્શન સમક્તિ-દષ્ટિ કહે છે. એ દૃષ્ટિ પામ્યા પછી જે પુરુષાર્થ થાય છે તે જ સાચો પુરુષાર્થ કે સાચું પરાક્રમ કહેવાય છે.
જીવ માત્ર સાધક છે સંસાર એ સાધનાની ભૂમિકા છે. તેમાં પણ મનુષ્યભવ એ સાધનાનું ઉચ્ચ ક્ષેત્ર છે. ત્યાં મળેલાં સાધનો સુમાર્ગે પ્રયુક્ત થાય તો સાધકની સાધના સફળ થઈ તે શીધ્ર પોતાનું કલ્યાણ સાધે છે.
જેમ જીવો ભિન્ન ભિન્ન તેમ તેનાં સાધનોમાં અને પ્રકૃતિમાં પણ ભિન્નતા છે. તેથી સમક્તિ પરાક્રમમાં ભિન્ન ભિન્ન સાધનો ભિન્ન ભિન્ન રૂપે અહીં ૭૩ ભેદોમાં બતાવ્યાં છે. જેમાંનાં કેટલાંક સામાન્ય, કેટલાંક વિશેષ અને કેટલાંક વિશેષતર કઠિન છે તો તે પૈકી પોતપોતાને ઇષ્ટ સાધનોનું શોધન કરી પ્રત્યેક સાધકે પુરુષાર્થમાં પ્રયત્ન કરવો અને વિચારવું અતિ અતિ આવશ્યક છે.
સુધર્મસ્વામીએ જંબુસ્વામીને કહ્યું : હે આયુષ્યમનું! તે ભગવાન મહાવીરે આ પ્રમાણે કહેલું તે મેં સાંભળ્યું છે. અહીં ખરેખર શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે સમ્યકત્વ પરાક્રમ નામનું અધ્યયન વર્ણવ્યું છે.
જેને સુંદર રીતે સાંભળીને તેના પર વિશ્વાસ અને શ્રદ્ધા લાવીને, (અડગ વિશ્વાસ લાવીને) તેની રુચિ જમાવીને, તેનો સ્પર્શ કરીને, તેનું પાલન કરીને, તેનું શોધન, કીર્તન અને આરાધના કરીને તેમજ (જિનેશ્વરોની) આજ્ઞાપૂર્વક અનુપાલન કરીને ઘણા જીવો સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે.