________________
૧૮૦
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : સત્તાવીસમું
ખાંકીય ગળિયા બળદ સંબંધી
સાધકને સદ્ગુરુ જેમ સહાયક છે,જેટલા અવલંબનરૂપ છે તેટલા જ ગુરુને શિષ્યો પણ સહાયક બને છે.
પૂર્ણતા પામ્યા પહેલાં સૌ કોઈને સહાયક અને સાધનોની આવશ્યકતા છે. પરંતુ તે જ સહાયક કે સાધનો બાધક બને તો પોતાનું અને પરનું (બંનેનું) હિત હણાય છે.
ગાર્યાચાર્ય સમર્થ હતા. ગણધર (ગુરુકુળપતિ) હતા. તેમની પાસે સેંકડો શિષ્યોનો પરિવાર હતો. પરંતુ જ્યારે તે સમુદાય સ્વચ્છંદી બન્યો, સંયમમાર્ગમાં હાનિ પહોંચાડવા લાગ્યો ત્યારે તેણે પોતાનો આત્મધર્મ જાળવીપોતાનું કર્તવ્ય સમજી સુધારવાના ખૂબ પ્રયત્નો કરી જોયા. પણ આખરે તેમાં તે નિષ્ફળ ગયા.
શિષ્યોનો મોહ, શિષ્યો પરની આસક્તિ અને સંપ્રદાયનું મમત્વ તે મહાપુરુષને સહજ પણ ન હતું. તે પોતાનું જાળવી એકાંતમાં જઈ વસ્યા અને સ્વાવલંબનની પ્રબળ શક્તિના સહચારી થઈ આત્મહિત સાધ્યું.
ભગવાન બોલ્યા : ૧. સર્વ શાસ્ત્રસંપન્ન એક ગાગ્ય નામના ગણધર અને સ્થવિરમુનિ હતા. તે ગણિભાવથી મુક્ત રહી હમેશાં સમાધિભાવ સાધી રહ્યા હતા.
નોંધ : અન્ય જીવોને ધર્મ વિશે સ્થિર કરે અર્થાત્ જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ અને પ્રવ્રજ્યાવૃદ્ધ હોય તે સ્થવિર ભિક્ષુ ગણાય છે અને ભિક્ષગણના વ્યવસ્થાપક હોય તે ગણધર કહેવાય છે. - ૨. કોઈ વાહનને યોગ્ય વહન (બળદ) જોડવાથી જેમ ગાડીવાન અટવીને ઓળંગી જાય છે તેમ યોગ્ય (સંયમ માર્ગમાં વહન કરતા શિષ્યસાધકો અને તેને દોરનાર ગુરુ બંને સંસારરૂપ અટવીને ઓળંગી જાય છે.
૩. પરંતુ જે ગળિયા બળદોને ગાડીમાં જોડી હાંકે છે, (તે ન ચાલવાથી) તે તેને મારી મારીને થાકી જાય છે અને અંતે કષ્ટ પામે છે; તેમ જ અશાંતિ અનુભવે છે. મારતાં મારતાં ગાડીવાનનો પરોણો પણ ભાંગી જાય છે.