________________
૧૭૮
ઉત્તરાધ્યયન સૂત્ર ઉત્પત્તિ જાણીને તેની દયા પાળવાને માટે, ૫. તપ કરવાને અર્થે અને ૬. શરીરનો અંતકાળ જાણીને અંતિમ સંથારા માટે. (આ છે કારણોથી આહાર ન કરે તો સંયમપાલન થયું ગણાય).
નોંધ : સંયમી જીવન પાળવા માટે જ આહારનો ઉપયોગ કરવો અને સંયમી જીવન હણાતું હોય તો તેની રક્ષા માટે આહાર ન કરવો તેમ જણાવી સંયમી જીવનની જ મુખ્યતા બતાવી છે. સંયમી જીવન માટે ખાવું, ખાવા માટે સંયમી જીવન નહીં.
૩૬. આહાર પાણી લેવા જતી વખતે ભિક્ષુએ સર્વ પાત્રો અને ઉપકરણો બરાબર પૂંજી લઈ ભિક્ષાર્થે જવું. ભિક્ષા માટે વધુમાં વધુ અર્ધા યોજન સુધી જવું.
૩૭. આહાર કર્યા પછી ચોથી પોરસીમાં ભાજનોને અળગાં બાંધી સર્વભાવ (પદાર્થ)નો પ્રકાશન કરનાર (એવો) સ્વાધ્યાય કરે.
૩૮. ચોથી પોરસીના ચોથા ભાગે સ્વાધ્યાય કાળથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરીને વસ્ત્ર, પાત્ર ઇત્યાદિની ભિક્ષુ પડિલેહણા કરે.
નોંધ : ચોથી પોરસીનો ચોથો ભાગ એટલે સૂર્યાસ્ત થવા પહેલાં બે ઘડી.
૩૯. મળ, મૂત્ર, ત્યાગ કરવાની ભૂમિકા જોઈ આવી (પાછાં આવ્યા બાદ ઇરિયા વહિયા ક્રિયા કરીને) સર્વ દુઃખથી મુકાવનાર એવો ક્રમપૂર્વક કાયોત્સર્ગ કરે.
નોંધ : જૈન દર્શનમાં ભિક્ષુ માટે અવશ્ય સવાર અને સાંજ એમ બે વાર પ્રતિક્રમણ કરવાનાં હોય છે. તે પ્રતિક્રમણમાં થયેલા દોષોની આલોચના અને ભવિષ્યમાં ન થાય તેવો સંકલ્પ કરવાનો હોય છે.
૪૦. તે કાયોત્સર્ગમાં દિવસના સંબંધીના જ્ઞાન, દર્શન કે ચારિત્રમાં થયેલા દોષોને ક્રમપૂર્વક ભિક્ષુએ ચિતવવાં.
૪૧. કાયોત્સર્ગ પાળીને પછી ગુરુ પાસે આવી વંદન કરે. વંદન કર્યા પછી ભિક્ષુ દિવસમાં થયેલા અતિચાર (દોષ)ને ક્રમપૂર્વક ગુરુ પાસે કહે.
૪૨. એ પ્રમાણે દોષના શલ્યથી રહિત થઈ (બધા જીવોની ક્ષમાપના લે) ત્યાર બાદ ગુરુને નમસ્કાર કરીને સર્વદુ:ખથી છોડાવનાર કાયોત્સર્ગને કરે.
૪૩. કાયોત્સર્ગને પાળીને ફરીવાર ગુરુને વંદન કરી (પ્રત્યાખ્યાન કરી) ત્યારબાદ પંચપરમેષ્ઠીના સ્તુતિમંગલ કરીને સ્વાધ્યાય કાળની અપેક્ષા રાખે.
નોંધ : પ્રતિક્રમણના છ આવશ્યક (વિભાગ) હોય છે. તે બધી વિધિ ઉપર કહેલ છે.