________________
એક સ્મૃતિનાં આ વાક્યો છે,
किं कारणं ब्रह्म । कृतः स्म जाता जीवामः केन क्व च संप्रतिष्ठिताः । के सुखेतरेषु वर्तामह इति ॥
અર્થાત્ (૧) શું આ વિશ્વનું કારણ બ્રહ્મ છે ? (૨) આપણે ક્યાંથી ઉત્પન્ન થયા, શાથી જીવીએ છીએ અને ક્યાં રહ્યા છીએ તથા (૩) શાથી સુખદુઃખમાં વર્તીએ છીએ ? આ ત્રણે પ્રશ્નાત્મક સ્મૃતિ વાક્યોમાં વિશ્વનું કારણ, આત્માની ઓળખાણ, પૂર્વજન્મ–વર્તમાન જન્મ-પુનર્જન્મનું કારણ અને તેના નિવારણ માટે સુખ-દુઃખના કારણનાં સંશોધન દ્વારા કર્તવ્ય કર્મનું વિધાન : એ ચારે પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. વેદધર્મ આ ચારે પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે કર્યું છે અને તેમાં કઈ વિશેષતા-ન્યૂનતા છે એ વિચાર અત્રે વિસ્તારથી કરવો યોગ્ય નથી, તે વિચાર તો ઇતર મહાત્માઓની સાથે જૈન મહાત્માઓએ પણ સૂત્ર ગ્રંથોમાં સારી પેઠે કરેલો છે.
મહાવીરના સમકાલીન બુદ્ધે પણ આ જ શ્રેણીને સ્વીકારી મુમુક્ષુ ધર્મનું વિધાન કર્યું છે. જેવી રીતે તત્ત્વ વિચારણાની દૃષ્ટિએ જૈન અને વેદ ધર્મ વચ્ચે મતભેદ છે તેવી જ રીતે બુદ્ધના નિર્ણયો તથા વિધાનો વચ્ચે પણ મતભેદ છે પરંતુ તત્ત્વ શ્રેણીનું સામ્ય જ અત્રે વક્તવ્ય છે. બ્રહ્મ, આત્મા, પૂર્વજન્મ-પુનર્જન્મ અને તેની કારણ નિવારણની વિચારણા એટલે ઈહલોકનું કર્તવ્ય કર્મ એ બુદ્ધના તત્ત્વદર્શનની શ્રેણી છે. (૧-૨) બુદ્ધ, બ્રહ્મ તથા આત્માના અસ્તિત્વને માન્ય રાખવા ના કહે છે એટલે વિશ્વને અનાદિ તથા આત્માને અવાસ્તવિક માને છે, પરંતુ (૩) કર્મ વિપાકથી નામ રૂપાત્મક દેહને નાશવંત જગતમાં પુનઃ પુનઃ જન્મ લેવો પડે છે એમ સ્વીકારે છે અને (૪) જે જન્મના ફરાનું કારણ સમજી લઈને તે કારણ જે વડે નાબૂદ થાય તેવો માર્ગ સ્વીકારવાનું પણ વિધાન કરે છે.
આ જ ચારે વસ્તુઓનું નિરાકરણ ભગવાન મહાવીર ઉત્તરાધ્યયનસૂત્રમાં જે પદ્ધતિએ કરે છે અને જે નવનીત કાઢી આપે છે તે આ ઉપોદ્ધાતમાં પૂર્વાર્ધમાં આ સૂત્રમાંનાં જ પ્રમાણો આપીને જે નિષ્કર્ષ કાઢી બતાવ્યો છે તે ઉપરથી જોઈ શકાશે. ભારતના પ્રાચીન તત્ત્વજ્ઞાનની ઉપર્યુક્ત ત્રણ મુખ્ય શાખાઓમાંની જૈનધર્મની મુખ્ય શાખા પ્રમુખ તત્ત્વો વિશે શો નિર્ણય આપે છે તે જાણવાની જિજ્ઞાસુ જૈન તથા જૈનેતરોને સંતોષવાના હેતુપૂર્વક આ સૂત્રની સૌથી પહેલી પસંદગી અને પ્રસિદ્ધિકરણ કરવામાં આવ્યાં છે.
સંતબાલ