________________
૧૭૨
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : છવ્વીસમું
સમાચારી
સમાચારી એટલે સમ્યફ દિનચર્યા. દેહ, ઈન્દ્રિય અને મન; આ બધાં સાધનો જે ઉદ્દેશથી મળ્યાં છે, તે ઉદ્દેશને લક્ષ્યમાં રાખી તે સાધનોનો સદુપયોગ કરી લેવો એ જ ચર્યા.
અહોરાત્ર મનને ઉચિત પ્રસંગમાં જોડી દેવું અને સતત એકને એક કાર્યમાં પરાયણ રહેવું તે સાધકની દિનચર્યા ગણાય.
આમ કરવાથી પૂર્વ જીવનગત દુષ્ટ પ્રકૃતિઓને વેગ મળતો નથી. અને નવીન પવિત્રતા પ્રાપ્ત થતી જવાથી પૂર્વની દુષ્ટ વાસનાઓ નિર્બળ થઈ આખરે ખરી પડે છે અને તેમ તેમ મોક્ષાર્થી સાધક પોતાના આત્મરસના ઘૂંટડા વધુ ને વધુ પડતો પીતો અમર બની જાય છે.
અહીં ત્યાગજીવનની સમાચારી વર્ણવેલી છે. ત્યાગી જીવન સામાન્ય ગૃહસ્થ સાધક જીવન કરતાં વધારે ઉચ્ચ, સુંદર અને પવિત્ર હોય છે. તેથી તેની દિનચર્યા પણ તેટલી જ શુદ્ધ અને કડક હોય તે સ્વાભાવિક છે.
પોતાના આવશ્યક કાર્ય સિવાય પોતાનું સ્થાન ન છોડવાની વૃત્તિ (સ્થાનસ્થિરતા), પ્રશ્નચર્યા અને ચિંતનમાં લીનતા, દોષોનું નિવારણ, સેવા, નમ્રતા અને જ્ઞાનપ્રાપ્તિ. આ બધા અંગોનો સમાવેશ સમાચારીમાં થાય છે.
સમાચારી તો સંયમી જીવનની વ્યાપક ક્રિયા છે. પ્રાણ અને જીવનનો જેટલો સહભાવ છે તેટલો જ સહભાવ સમાચારી અને સંયમી જીવનનો છે.
ભગવાન બોલ્યા : ૧. હે શિષ્ય ! સંસારના સર્વ દુઃખથી છોડાવનારી સમાચારી (દસ પ્રકારની સાધુ સમાચારી)ને કહીશ. કે જે સમાચારીને આચરીને નિગ્રંથ સાધુઓ આ સંસાર સમુદ્રને તરી ગયા છે.
૨. પહેલી આવશ્યકી, બીજી નૈષધિતી, ત્રીજી આપૃચ્છના અને ચોથી પ્રતિપૃરચ્છના છે.
૩. અને પાંચમી છંદના, છઠ્ઠી ઇચ્છાકાર, સાતમી મિથ્થાકાર અને આઠમી તથ્યતિકાર છે.