________________
૧૬૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧. હે વિપ્ર ! વેદના મુખને, યજ્ઞોના મુખને એ નક્ષત્રો તથા ધર્મોના મુખને તું જાણતો જ નથી.
નોંધ : અહીં મુખનો અર્થ રહસ્ય સમજવો.
૧૨. જે પોતાના અને પરના આત્માનો (આ સંસારથી) ઉદ્ધાર કરવાને સમર્થ છે તેને પણ તું જાણી શક્યો નથી. જો જાણતા હો તો કહે.
મહાતપસ્વી અને ઓજસ્વી મુનિના પ્રભાવશાળી પ્રશ્નોથી બ્રાહ્મણોની આખી સભા નિરુત્તર થઈ ગઈ. ૧૩. મુનિના પ્રશ્નનો ઊહાપોહ કે ઉત્તર આપવાને માટે અસમર્થ થયેલો બ્રાહ્મણ તથા ત્યાં રહેલી આખી સભા બે હાથ જોડીને તે મહામુનિને પૂછવા લાગ્યાં.
૧૪. આપ જ વેદોનું, યજ્ઞોનું નક્ષત્રોનું અને ધર્મોનું મુખ કહો.
૧૫. પોતાનો તથા પરના આત્માનો ઉદ્ધાર કરવા જે સમર્થ છે તે કોણ ? આ બધા અમને સંશયો છે. માટે અમારાથી) પૂછાયેલા આપ જ તેનો સુંદર રીતે જવાબ આપો.
૧૬. મુનિએ કહ્યું : વેદોનું મુખ અગ્નિહોત્ર છે (અર્થાત અગ્નિહોત્ર યજ્ઞ જે વેદમાં મુખ્ય છે તે જ વેદ-મુખ છે.) યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી (સંયમરૂપી યજ્ઞના કરનાર સાધુ), નક્ષત્રોનું મુખ ચંદ્રમા છે અને ધર્મના પ્રરૂપકોમાં ભગવાન ઋષભદેવ વીતરાગ હોવાથી તેમણે બતાવેલો સત્ય ધર્મ એ જ સર્વ ધર્મમાં શ્રેષ્ઠ છે.
નોંધ : અગ્નિહોત્ર યજ્ઞમાં જીવરૂપ કુંડ, પરૂપ વેદિકા, કર્મરૂપ ઈધન, ધ્યાન રૂ૫ અગ્નિ, શુભ યોગરૂપી ચાટવા, શરીર રૂપી ગોર (યાજક) અને શુદ્ધ ભાવનારૂપ આહૂતિ જાણવી. જે શાસ્ત્રોમાં આવા યજ્ઞોનું વિધાન હોય છે તે વેદ કહેવાય છે અને આવા યજ્ઞો કરે છે તે જ યાજકોમાં શ્રેષ્ઠ ગણાય છે.
૧૭. જેમ ચંદ્ર આગળ ગ્રહ, નક્ષત્ર, તારાઓ વગેરે હાથ જોડી ઊભા રહે છે અને મનોહર રીતે સ્તુતિપૂર્વક વંદન કરે છે તેમ તે ઉત્તમ કાયને (ભગવાન ઋષભને) ઈંદ્રાદિ નમસ્કાર કરે છે.
૧૮. સાચું જ્ઞાન અને બ્રાહ્મણની સાચી પ્રતિજ્ઞાને નહિ જાણનાર મૂઢ પુરુષો કેવળ યજ્ઞ યજ્ઞ કર્યા કરે છે પણ યજ્ઞનું રહસ્ય જાણી શકતા નથી. અને જે કેવળ વેદનું અધ્યયન અને શુષ્ક તપશ્ચર્યા કરતા હોય છે તે બધા બ્રાહ્મણ નથી પરંતુ રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા છે.