________________
યજ્ઞીય
૧૬૭ જયઘોષનો ત્યાગ, જયઘોષની તપશ્ચર્યા, જયઘોષની સાધુતા, જયઘોષનો પ્રભાવ અને જયઘોષની પવિત્રતા ઇત્યાદિ સગુણોએ અનેક બ્રાહ્મણોને આકર્ષા અને યજ્ઞનો શુદ્ધ માર્ગ સમજાવ્યો.
ભગવાન બોલ્યા : ૧. પૂર્વે વણારસી નગરીમાં બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા છતાં પાંચ મહાવ્રતરૂપ ભાવયજ્ઞના કરનાર એક મહા યશસ્વી જયઘોષ નામના મુનિ થઈ ગયા હતા.
૨. પાંચ ઇન્દ્રિયોના સર્વ વિષયોમાં નિગ્રહ કરનારા અને મોક્ષમાર્ગમાં જ ચાલનાર (મુમુક્ષુ) તે મહામુનિ ગામેગામ વિચરતા વિચરતા ફરી એકદા તે જ વણારસી (પોતાની જન્મભૂમિ) નગરીમાં આવી પહોચ્યા.
૩. અને તે વણારસીની બહાર મનોરમ નામના ઉદ્યાનમાં નિર્દોષ સ્થાન, શય્યાદિ યાચી નિવાસ કર્યો.
૪. તે કાળમાં તે જ વણારસી નગરીમાં ચાર વેદનો જાણકાર વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો.
૫. ઉપર્યુક્ત જયઘોષમુનિ માસખમણની મહા તપશ્ચર્યાને પારણે તે વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞવાડામાં (તે જ સ્થળે) ભિક્ષાર્થે આવીને ઊભા રહ્યા.
૬. મુનિશ્રીને ત્યાં આવતા જોઈ તે યાજક દૂરથી જ અટકાવે છે. અને કહે છે કે હે ભિક્ષુ ! તને હું ભિક્ષા નહિ આપી શકું. કોઈ બીજે સ્થળેથી યાચના કરી લે,
૭. હે મુનિ ! જે બ્રાહ્મણો ધર્મશાસ્ત્રના તથા ચાર વેદના પારગામી, યજ્ઞાર્થી તથા જયોતિશાસ્ત્ર સુદ્ધાં છ અંગને જાણનારા અને જે જિતેંન્દ્રિય હોય તેને
૮. તથા પોતાના આત્માને તથા પરના આત્માનો (આ સંસાર સમુદ્રમાંથી) ઉદ્ધાર કરવા સમર્થ હોય તેને જ પડરસ સંયુક્ત મનોવાંછિત આ ભોજન આપવાનું છે.
૯. ઉત્તમ અર્થની ગવેષણા કરનાર તે મહામુનિ આ પ્રમાણે ત્યાં નિષેધ કરાયા છતાં ન રાજી થયા કે ન નારાજ થયા.
૧૦. અન્ન, પાણી, વસ્ત્ર કે તેવા કોઈપણ સ્વાર્થ માટે નહિ પણ માત્ર વિજયઘોષની અજ્ઞાન મુક્તિને માટે તે મુનિએ આ વચન કહ્યાં.