________________
૧૬૪
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : સત્ય તત્ત્વ તરફ જ મનનો વેગ રહે તે સત્યમનોગુપ્તિ, અસત્ય વસ્તુ તરફ ઢળે તે અસત્યમનોગુપ્તિ, ઘડીમાં સત્ય ઘડીમાં અસત્ય એ બંનેની રુચિ જાગે અથવા સત્યમાં થોડું અસત્ય હોય તે બધાંને સત્ય પ્રકારે માની ચિંતવવું તે મિશ્ર મનોગુપ્તિ કહેવાય. અને સાંસારિક શુભાશુભ વ્યવહારમાં મનનો વેગ ઢળે તે વ્યવહાર મનોગુપ્તિ કહેવાય.
૨૧. સરંભ, સમારંભ અને આરંભ એ ત્રણે ક્રિયામાં જતા મનને રોકી શુદ્ધ ક્રિયામાં પ્રવર્તાવવું તે મનોગુપ્તિ છે. માટે સંયમીએ તેવી દૂષિત ક્રિયાઓમાં જતાં મનને રોકી રાખી મનોગુપ્તિની સાધના કરવી.
નોંધ : સરંભ, સમારંભ અને આરંભ એ ત્રણે હિંસક ક્રિયા છે. પ્રમાદી જીવાત્માને હિંસાદિ કાર્યના પ્રયત્નનો આવેશ ઉત્પન્ન થાય છે તેને સંરંભ કહેવાય છે.પછી એ કાર્યો માટે સાધનોને એકઠાં કરાય છે તેને સમારંભ કહેવાય છે અને છેવટે તે કાર્ય પ્રયોગમાં મુકાય છે તેને આરંભ કહેવાય છે. કાર્યના સંકલ્પથી માંડીને તે પૂર્ણ થયા સુધીમાં આ ત્રણ અવસ્થાઓ અનુક્રમે થાય છે.
૨૨. વચનગુપ્તિ પણ તે જ ચાર પ્રકારની છે : ૧. સત્યવચનગુપ્તિ, ૨. અસત્ય વચનગુપ્તિ, ૩. સત્યામૃષા (મિશ્ર) વચનગુપ્તિ અને ૪. અસત્ય અને અમૃષા (વ્યવહાર) વચનગુપ્તિ. - ર૩. સરંભ સમારંભ કે આરંભની ક્રિયા માટે બોલાતાં વચનને ઉપયોગપૂર્વક સંયમીએ નિવૃત્ત કરી લેવું જોઈએ.
૨૪. હવે કાયગુપ્તિના ભેદો બતાવે છે કે ૧. ઊભા રહેવામાં, ૨. બેસવામાં, ૩. સૂવામાં, ૪. ખાડ વગેરે ઉલ્લંઘવામાં અને ૫. પાંચે ઇંદ્રિયોના વ્યાપારમાં :
૨૫. સંરંભ, સમારંભ કે આરંભની ક્રિયા થઈ જતી હોય તો ત્યાં સંયમીએ કાયાને રોકી લેવી, તેને કાયગુપ્તિ કહેવાય છે.
નોંધ : મન, વચન અને કાયાનું કેવળ આત્મલક્ષી પ્રવર્તન થાય અને બાહ્ય વ્યવહારમાં પણ તે જ સ્મરણ રહે. તેમજ પાપ કાર્યોમાંથી મન, વચન અને કાયા નિવર્સી જાય; આવી સ્થિતિ થઈ જાય તેને મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ કહેવાય છે.
૨૬. ઉપર કહેલી પાંચ સમિતિઓ ચારિત્ર (સંયમી જીવન)ને અંગે થતી પ્રવૃત્તિમાં ઉપયોગી છે અને ત્રણ ગુપ્તિ અશુભ વ્યાપારોથી સર્વથા નિવૃત્ત થવા માટે ઉપયોગી છે.