________________
૧૬૦
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : ચોવીસમું
સમિતિઓ
સંયમ, ત્યાગ અને તપ. આ ત્રણેય મુક્તિનાં ક્રિયાત્મક સાધનો છે. ભવબંધનોથી મુક્ત કરવા માટે તે જ સમર્થ છે. મુક્તિએ પહોંચવાના આપણે સૌ કોઈ ઉમેદવાર છીએ. સૌ કોઈને મોક્ષમાર્ગમાં જવાનો સમાન હક છે. માત્ર ત્યાં જવાની તૈયારી હોવી જોઈએ.
આ અધ્યયનમાં મુનિવરોની સંયમજીવનને પોષનારી માતાઓનું વર્ણન છે. છતાં તેનું અવલંબન તો સૌ કોઈ મુમુક્ષુઓને એક સરખું જ ઉપકારી છે. પોતાનું સ્થાન, યોગ્યતા અને સમય જોઈ વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરી શકાય છે.
ભગવાન બોલ્યા : ૧. જિનેશ્વર દેવોએ જે પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ વર્ણવેલી છે તે આઠે પ્રવચન માતાઓ કહેવાય છે.
નોંધ : જેમ માતા પુત્ર પર વાત્સલ્ય ધરાવે છે, તેની કલ્યાણકારિણી છે તેમ આ આઠ વસ્તુ સાધુજીવનની કલ્યાણકારી હોવાથી જિનેશ્વરોએ તેમને શ્રમણની માતાઓ તરીકે કહેલી છે.
૨. ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડનિક્ષેપણ અને ઉચ્ચારાદિ પ્રતિષ્ઠાપન આ પ્રમાણે પાંચ સમિતિઓ, તેમજ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિઓ કહેવાય.
નોંધ : ૧. ઈર્યા : માર્ગમાં બરાબર ઉપયોગપૂર્વક જોઈને ચાલવું. ૨. ભાષા : વિચારથી ગળીને સત્ય, નિર્દોષ અને ઉપયોગી વચન બોલવું. ૩. એષણા : નિર્દોષ તથા પરિમિત ભિક્ષા તથા અલ્પ વસ્ત્રાદિ ઉપકરણ લેવાં. ૪. આદાનભંડનિક્ષેપણ : વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણ (સંયમી જીવનને ઉપયોગી સાધનો) વ્યવસ્થિત લેવાં મૂકવાં. ૫. મળ, મૂત્ર શ્લેષ્મ કે એવી કોઈપણ ત્યાજ્ય વસ્તુ કોઈને દુઃખરૂપ ન થાય તેવું સ્થાન જોઈ ઉપયોગપૂર્વક નાખવી.
૧. મનોગુપ્તિ : દુષ્ટ ચિંતનમાં પ્રવર્તતા મનને રોકી લેવાના પ્રયોગ. ૨. વચનગુપ્તિ : વચનનો અશુભ વ્યાપાર ન કરવો. ૩. કાયગુપ્તિ : ખોટે રસ્તે જતાં શરીરને રોકી લેવાની ક્રિયા.