________________
વળી જો આત્મા કેવળ અનિત્ય હોય તો પાપ, પુણ્ય, સુખ, દુઃખ એ કંઈ સંભવે જ નહિ. વળી જે આત્મા કર્મબંધન કરે તે જ નાશ પામે તો પછી તે કર્મનું પરિણામ કોણ ભોગવે ? એમ પરસ્પર અસંબદ્ધતા જણાય છે. આથી જ જૈનદર્શન તેને પરિણામી નિત્ય માને છે. વિશ્વનું અનાદિવ: આ જગત ઈશ્વરે બનાવ્યું નથી. આખું વિશ્વ અનાદિ છે.
કેટલાંક દર્શનો માને છે કે દરેક કાર્યનું કંઈક ને કંઈક કારણ હોય જ છે. જેમ કે ઘડા રૂપ કાર્ય કરનાર કુંભાર તેમ નાના મોટા દરેક કાર્યનો કર્તા કે પ્રેરક કોઈ ને કોઈ અવશ્ય છે. તે જ રીતે આ જગતનો કર્તા પણ કોઈ ને કોઈ હોવો જ જોઈએ. અને તેને જ તે ઈશ્વર કિંવા કોઈ શક્તિરૂપ કહ્યું છે.
આમ સ્વીકારતાં નીચેના પ્રશ્નો ઉદ્દભવે છે.
(૧) જો બધા કાર્યનો સંચાલક ઈશ્વર માનીએ તો જીવોને સુખદુ:ખ આપવામાં તેની સારી માઠી અસર અને ઇચ્છાનું આરોપણ થાય છે; કારણ કે જગતમાં એવો નિયમ છે કે ઇચ્છા વિના પ્રવૃત્તિ થઈ શકે નહિ અને એવી ઇચ્છા થવી તેને રાગ અને દ્વેષ કહેવાય છે. જે આત્મા રાગ અને દ્વેષથી કલુષિત હોય તે ઈશ્વર કે સર્વજ્ઞ શી રીતે હોઈ શકે ?
(૨) તેવી કોઈ શક્તિ હોય તો વળી તે શક્તિનું ભાજન કે તેનો સ્વામી તેથી અતિરિક્ત સ્વીકારવો જ પડે અને તે સ્વીકારવા જતાં તો પાછો તેનો તે આરોપ લાગુ પડે.
(૩) જો કર્તા અન્ય હોય તો જ ફળ દેવાની સત્તા બીજાની હોઈ શકે.
(૪) ઈશ્વર કે તેવી શક્તિ પર આધાર રાખવામાં પુરુષાર્થને જરાપણ અવકાશ રહેતો નથી. અને જો પુરુષાર્થ નથી તો જીવન પણ વ્યર્થ છે, અને જીવન વ્યર્થ હોય તો જગતનો પણ હેતુ સરતો નથી. આથી જ જૈનદર્શન કહે છે કે :
'अप्पा कत्ता विकत्ता य सुहाण य दुहाण य' ।
આત્મા પોતે જ કર્મનો કર્તા અને સુખદુ:ખનો ભોક્તા છે. બીજો કરે ને તમે ભોગવો કે તમે કરો ને બીજો ભોગવે તે સુઘટિત નથી, અને તેથી જ આ વિશ્વ ઈશ્વરે કે કોઈએ બનાવ્યું નથી કે તેનો પ્રેરક પણ નથી, કારણ કે રાગદ્વેષથી રહિત થયેલા સિદ્ધ આત્માને સંસારનો સંબંધ રહેવા પામતો નથી.
આત્મસંગ્રામ : આખા સંસારમાં એક નાનાથી માંડીને મોટા જંતુ સુધી પરસ્પર એક બીજાને ભોગે જીવતા હોય છે અને એમ સ્વાર્થનાં પારસ્પરિક હૃદયુદ્ધો ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન રીતે પ્રવર્તી રહ્યાં છે.
૧૮