________________
ઉત્તરાધ્યયન સૂત્ર
નોંધ : જ્ઞાન, દર્શન અને ચારિત્ર. એ ત્રણની પૂર્ણ સાધના થયેથી જૈનદર્શન મુક્તિ માને છે. જ્ઞાન એટલે આત્માની ઓળખાણ, દર્શન એટલે આત્મદર્શન અને ચારિત્ર એટલે આત્મસ્મરણતા. આ ત્રિપુટીની તન્મયતા જેમ જેમ વૃદ્ધિગંત થતી જાય તેમ તેમ કર્મનાં બંધનો શિથિલ થાય અને કર્મોથી સાવ મુક્ત થઈ જવાય તે સ્થિતિને મુક્તિ કહેવાય.
૧૪૨
૨૭. એ પ્રમાણે બળભદ્ર, કૃષ્ણ મહારાજ, યાદવો અને ઈતર નગરજનો અરિષ્ઠ નેમિને વંદન કરીને ત્યાંથી પાછા દ્વારિકા નગરીમાં આવ્યા.
૨૮. આ તરફ તે રાજકન્યા રાજીમતી; અરિષ્ટનેમિએ એકાએક દીક્ષા લીધી તે વાત સાંભળીને હાસ્ય અને આનંદથી રહિત થઈ અને શોકના ભારથી મૂર્છિત થઈ જમીન પર ઢળી પડી.
૨૯. સ્વસ્થ થયા પછી રાજીમતી ચિંતવવા લાગી કે હું જેનાથી તજાઈ તે યુવાન રાજપાટ અને ભોગસુખને ત્યજી યોગી બન્યા અને હું હજીયે અહીં જ છું. મારા જીવનને ધિક્કાર છે. મારે દીક્ષા લેવી તે જ કલ્યાણકારી છે. ૩૦. ત્યારબાદ પૂર્ણ વૈરાગ્યથી પ્રેરિત થઈ ધીરજવાળી તે રાજીમતીએ કાળા ભમર જેવા અને નરમ દાંતિયાથી ઓળેલા વાળોનું પોતાની મેળે જ લંચન કર્યું અને યોગિની બની ગઈ.
૩૧. કૃષ્ણ વાસુદેવે મુંડિત અને જિતેન્દ્રિય રાજીમતીને કહ્યું કે હે પુત્રી ! આ ભયંકર એવા સંસાર સાગરને જલદી જલદી તરી જજે.
૩૨. તે બ્રહ્મચારિણી અને વિદુષી રાજીમતી દીક્ષિત થઈ ત્યારે તેની સાથે ઘણી સાહેલીઓએ અને સેવિકાઓએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી.
૩૩. એકદા ગિરનાર પર્વતમાં જતાં જતાં માર્ગમાં અત્યંત વૃષ્ટિ થવાથી રાજીમતીનાં ચીવરો ભીંજાયાં અને અંધકાર થવાથી એક પાસેની ગુફામાં જઈને ઊભાં રહ્યાં.
નોંધ : અકસ્માતથી જે ગુફામાં રાજીમતી આવી લાગ્યાં તે જ ગુફામાં સમુદ્રવિજયના અંગજાત રાજપુત્ર ૨થનેમિ કે જે યૌવનવયમાં ત્યાગી બન્યા હતા તે ધ્યાન ધરી ઊભા હતા.
૩૪. ગુફામાં કોઈ નથી તેમ અંધારામાં જણાયાથી રાજીમતી સાવ નગ્ન થઈ પોતાનાં ભીંજાયેલાં ચીવરો મોકળાં કરવા લાગ્યાં. આ દૃશ્યથી રથનેમિ ભગ્નચિત્ત (વિષયાકુળ) થઈ ગયા. તેવામાં જ એકાએક રાજીમતીએ પણ તેમને દીઠા.