________________
૧૩૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦. ભિક્ષુએ ન ગર્વિષ્ઠ થવું કે ન કાયર થવું. ન પૂજન ઇચ્છવું કે ન નિંદા કરવી. પરંતુ સમુદ્રપાલની પેઠે સરળ ભાવ સ્વીકારીને રાગ વિરક્ત રહી (જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા) નિર્વાણ માર્ગની ઉપાસના કરવી.
૨૧. (સાધુએ) સંયમને વિશે અણગમો કે અસંયમમાં રાગ ઊપજે તો નિવારવો, સંગથી દૂર રહેવું, આત્મ હિતચિંતક થવું. તેમ જ શોક, મમતા અને પરિગ્રહની તૃષ્ણા છેદી, સમાધિવંત થઈ પરમાર્થપદમાં સ્થિર થવું.
૨૨. આ જ પ્રમાણે સમુદ્રપાલ યોગીશ્વર આત્મરક્ષણ અને પ્રાણીરક્ષક બની ઉપલેપ વિનાનાં અને પોતાને ઉદેશીને નહિ બનાવેલાં એવાં જ એકાંત સ્થાનોમાં વિચરે છે અને વિપુલ યશસ્વી મહર્ષિઓએ જે જે આચરણો આચર્યાં હતાં તેને આચરે છે. તેમ જ આવી પડેલાં અનેક સંકટોને પોતાના શરીર દ્વારા સહી લે છે.
૨૩. યશસ્વી અને જ્ઞાની એવા સમુદ્રપાલ મહર્ષિ નિરંતર જ્ઞાનમાં આગળ વધ્યા અને ઉત્તમ ધર્મ (સંયમધર્મ)ને આચરીને આખરે કેવળ (સંપૂર્ણ) જ્ઞાનના ધણી થયા. અને જેમ આકાશમાં સૂર્ય શોભે તેમ મહીમંડલમાં આત્મજયોતિથી આપવા લાગ્યા.
૨૪. પુણ્ય અને પાપ એમ બંને પ્રકારનાં કર્મોને ખપાવીને શરીર અધ્યાસથી સર્વ પ્રકારે છૂટી ગયા. (શૈલેશી અવસ્થા પામ્યા). અને આ સંસારસમુદ્રની પાર જઈને સમુદ્રપાલ અપુનરાગિ (અપુનરાગમન) અર્થાત સિદ્ધગતિને પામ્યા.
નોંધ : શેલેશી અવસ્થા એટલે અડોલ અવસ્થા. જૈનદર્શનમાં આવી સ્થિતિ નિષ્કર્મા યોગીશ્વરની થાય છે. અને આવી ઉચ્ચ દશા પામ્યા પછી તુરત જ તે આત્મસિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
સરળ ભાવ, તિતિક્ષા, નિરભિમાનિતા, અનાસક્તિ, નિંદા કે પ્રશંસા બંને સ્થિતિમાં સમાનતા, પ્રાણી માત્ર પર સમભાવ, એકાંતવૃત્તિ અને સતત અપ્રમત્તતા, આ આઠ ગુણો એ ત્યાગધર્મની ઇમારતના પાયા છે. તે પાયા જેટલા પરિપક્વ અને પુષ્ટ તેટલું જ ત્યાગી જીવન ઉચ્ચ અને સુવાસિત. એ સુવાસમાં અનંતભાવની વાસનામય દુર્ગધ નષ્ટ ભ્રષ્ટ થઈ જીવાત્મા ઊંચી ભૂમિકામાં જઈ આખરે અંતિમ લક્ષ્યને પામી જાય છે.
એમ કહું છું. એ પ્રમાણે સમુદ્રપાલીય નામનું એકવીસમું અધ્યયન સમાપ્ત થયું.