________________
સમુદ્રપાલીય
૧૩૫ જિનેશ્વરે ફરમાવેલા ત્યાગમાર્ગમાં ભિક્ષુએ કેમ વર્તવું તે નીચે બતાવે છે ?
૧૩. ભિક્ષુએ આખા વિશ્વના સમસ્ત જીવો પર દયાનુકંપી અને હિતચિંતક થવું. ભિક્ષુ જીવનમાં આવેલું બધું કષ્ટ ક્ષમા રાખી સહેવું. સદા પૂર્ણ બ્રહ્મચારી અને સંયમી જ રહેવું તથા ઇંદ્રિયોને વશ કરી, પાપના યોગ (વ્યાપાર)ને સર્વથા તજી દઈ સમાધિપૂર્વક ભિક્ષુધર્મમાં ગમન કરવું.
૧૪. જે સમયે જે ક્રિયા કરવાની હોય તે જ કરવી. દેશપ્રદેશમાં વિચરતા રહેવું. કોઈપણ કાર્ય કરતાં પહેલાં પોતાની શક્તિ કે શક્તિનું માપ કાઢી લેવું. કોઈ કઠોર કે અસભ્ય શબ્દો કહે તો સિંહની માફક ડરવું નહિ કે સામે થઈ અસભ્ય પણ બોલવું નહિ.
નોંધ : ગમે તે ક્ષેત્રમાં હોવા છતાં સાધુજીવનની દિનચર્યાને યોગ્ય જ કાર્ય કરતા રહેવું. ભિક્ષા ટાણે સ્વાધ્યાય કરવો અને સ્વાધ્યાયને વખતે સૂઈ જવું એવી અકાળ ક્રિયાઓ ન કરતાં સર્વ સ્થળે વ્યવસ્થિત જ રહેવું.
૧૫. સંયમીએ પ્રિય કે અપ્રિય જે કંઈ થાય તે તરફ તટસ્થ રહેવું. કષ્ટ આવે તો તેની ઉપેક્ષા કરી બધું સંકટ સહન કરી લેવું. બધું પોતાના કર્મવશાત જ થાય છે. માટે નિરુત્સાહ ન થવું અને નિંદા થાઓ કે પ્રશંસા થાઓ તે સંબંધમાં કશું લક્ષ્ય આપવું નહિ.
નોંધ : પૂજાની ઇચ્છા ન રાખવી અને નિંદાને મનમાં ન લાવવી. કેવળ સત્યશોધક થઈ સત્ય આચરણ કરતા રહેવું.
૧૬. મનુષ્યોના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે. માટે ભિક્ષુએ તેનું જ્ઞાનપૂર્વક સમાધાન કરવું. અને મનુષ્ય, પશુ કે દેવોના અતિ અતિ ભયંકર ઉપસર્ગો પણ સહન કરવા.
નોંધ : અહીં લોકરુચિ અને લોકમાનસને ઓળખવાનું અને સમભાવથી તેનો સમન્વય કરવાનું બતાવી ત્યાગીની ફરજ સમજાવી છે. (એ પ્રમાણે પાલિત નામના મુનિ વિચરતા હતા.)
૧૭. જયારે દુઃખે કરીને સહી શકાય તેવા પરિષહો (વિવિધ સંકટો) આવે છે ત્યારે કાયર સાધકો શિથિલ થઈ જાય છે. પરંતુ લડાઈને મોખરે રહેલા હાથીની પેઠે તે ભિક્ષુ (પાલિત) જરા પણ ખેદ પામ્યા ન હતા.
૧૮, તે જ પ્રમાણે આદર્શ સંયમી ઠંડી, તાપ, ડાંસ, મચ્છરના સ્પર્શી કે વિવિધ રોગો જયારે શરીરને સ્પર્શે ત્યારે ખેદ કર્યા વિના સહન કરે અને તે બધું પૂર્વે કરેલાં કર્મોનું જ પરિણામ જાણી કષ્ટ સહી કર્મોને ખપાવે.
૧૯. વિચક્ષણ ભિક્ષુ સતત રાગ દ્વેપ અને મંહને છોડીને જેમ વાયુથી મેરુ કંપતો નથી તેમ પરિષહોથી કંપે નહિ, પણ પોતાના મનને વશ રાખી તે બધું સમભાવે સહન કરે.