________________
૧૩૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૬. જોનારને વલ્લભ લાગે તેવો અને સૌમ્ય કાંતિવાળો તે બુદ્ધિમાન બાળક ક્રમપૂર્વક બોતેર કળાઓમાં અને નીતિ શાસ્ત્રમાં પંડિત થયો. અને અનુક્રમે હવે યૌવન પ્રાપ્ત પણ થયો.
૭. પુત્રની યુવાન વય જોઈને તેના પિતાએ (અપ્સરા જેવી રૂપવતી રૂપિણી કન્યા સાથે તેને પરણાવ્યો. તે સમુદ્રપાલ રમણીય મહેલમાં દોગુન્દક (વિલાસી) દેવની પેઠે ક્રીડા કરી રહ્યો છે અને ભોગો ભોગવી રહ્યો છે.
૮. (આવી રીતે ભોગજન્ય સુખો ભોગવતાં ભોગવતાં કેટલાક કાળ (પછી) એકદા તે મહેલના ગોખમાં બેસી નગરચર્યા જોવામાં લીન થયો છે. તેવામાં મારવાનાં ચિહ્ન સહિત વધ્યભૂમિ પર લઈ જવાતા એક ચોરને તેણે જોયો.
નોંધ : તે સમયમાં ફાંસી પર ચડાવતાં પહેલાં ખૂબ વિરૂપ ધામધૂમથી ગુનેગારને લઈ જવામાં આવતો હતો. તેના ચિહ્ન તરીકે ગળામાં કણેરની માળા, ફૂટેલો ઢોલ, ગર્દભ સવારી અને બંધન રાખવામાં આવતા.
૯. તે ચોરને જોઈને ખૂબ વિચારો આવી ગયા અને વૈરાગ્યભાવે તે સ્વયં કહેવા લાગ્યો કે અહો ! કેવાં અશુભ કર્મોનાં કડવાં ફળો આ પ્રત્યક્ષ ભોગવવા પડે છે ?
નોંધ : “જેવું કરીએ તેવું પામીએ આ અચળ સિદ્ધાંત સમુદ્રપાલના અંગેઅંગમાં વ્યાપક થઈ ગયો. કર્મના અચળ કાયદાએ તેને કંપાવી મૂક્યો. ભોગજન્ય આ સુખોનાં પરિણામ શાં ? હું શું કરી રહ્યો છું ? મારું અહીં આગમનનું પ્રયોજન શું ? આવી અનેક વિચારશ્રેણિઓ સતત જાગી ઊઠી.
૧૦. અને તે જ વખતે ઊંડા ચિંતનના પરિણામે જાતિસ્મરણ જ્ઞાન જમ્મુ, સાચું તત્ત્વ સમજાયું અને પરમ સંવેગ જાગ્યો. સાચા વૈરાગ્યના પ્રભાવે માતપિતાનાં અંતઃકરણ સંતુષ્ટ કરી આખરે તેમની આજ્ઞા લઈ પ્રવજ્યા સ્વીકારી અને તે સંયમી બન્યા.
૧૧. મહાકાલેશ, મહાભય, મહામોહ અને મહાઆસક્તિના મૂળરૂપ લક્ષ્મી તથા સ્વજનોના મોહમય સંબંધને છોડી ત્યાગધર્મને રુચિપૂર્વક સ્વીકાર્યો અને પાંચ મહાવ્રત તથા સદાચારોને આરાધવા લાગ્યા. તેમ જ પરિષહને જીતવા લાગ્યા.
નોંધ : પાંચ મહાવ્રત એ મુનિઓના મૂળ ગુણો છે. તેનું સ્થાન જીવનના અણુઅણુમાં હોવું ઘટે અને બાકીના ઉત્તર ગુણો છે, તેનો સંગ્રહ મૂળ ગુણની પુષ્ટિ માટે હોય છે.
૧૨. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચે મહાવ્રતોને અંગિકાર કરીને તે વિદ્વાન મુનિશ્વર જિનેશ્વરોએ ફરમાવેલા ધર્મમાં ગમન કરે છે.