________________
૧ ૨૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૬. માતાના એક જ ઉદરમાંથી જન્મેલા નાના અને મોટા ભાઈઓ પણ મને દુ:ખથી છોડાવી ન શક્યા એ પણ મારી અનાથતા.
ર૭. હે મહારાજ ! નાની અને મોટી મારી સગી બહેનો પણ આ દુઃખથી મને બચાવી ન શકી એ મારી અનાથતા નહિ તો બીજું શું ?
૨૮. હે મહારાજ ! તે વખતે મારા પર અત્યંત નેહવાળી અને પતિવ્રતા પત્ની આંસુભર્યા નયને મારું હૃદય ભીંજવી રહી હતી.
૨૯. મારું દુઃખ જોઈ તે નવયૌવના મારાથી જાણે કે અજાણે અન્ન, પાન, સ્નાન કે સુગંધિત પુષ્પમાળા કે વિલેપન સુધ્ધાં ભોગવતી ન હતી.
૩૦. અને હે મહારાજ ! એક ક્ષણ પણ તે સહચારિણી અળગી થતી ન હતી. આખરે (એટલી અગાધ સેવા વડે પણ) તે મારી આ વેદનાને હઠાવી ન શકી તે જ મારી અનાથતા.
૩૧. આવી ચારેકોરથી અસહાયતા અનુભવવાથી મેં વિચાર્યું કે અનંત એવા આ સંસારમાં આવી વેદનાઓ ભોગવવી પડે તે બહુ બહુ અસહ્ય છે.
૩૨, માટે આ વિપુલ વેદનાથી જો એક જ વાર હું મુકાઉં તો ક્ષાન્ત, દાત્ત અને નિરારંભી બની તુરત જ શુદ્ધ સંયમને ગ્રહણ કરીશ.
૩૩. હે નરપતિ ! રાત્રિએ એમ ચિતવીને હું સૂઈ ગયો. અને રાત્રિ જેમ જેમ જતી ગઈ તેમ તેમ મારી તે વિપુલ વેદના ક્ષીણ થતી ગઈ.
૩૪. ત્યારબાદ પ્રભાતે તો સાવ નીરોગી થઈ ગયો અને એ બધાં સંબંધીઓની આજ્ઞા લઈને ક્ષાન્ત (સહિષ્ણુ) દાન્ત (તમિતેન્દ્રિય) અને નિરારંભ (પાપક્રિયાથી રહિત) થઈ સંયમી બન્યો.
૩૫. ત્યાગ લીધા પછી હું મારો પોતાનો અને સર્વ ત્રસ (હાલતા ચાલતા) જીવો તથા સ્થાવર (સ્થિર) જીવો, એ બધાનો પણ નાથ (રક્ષક) થઈ શક્યો.
નોંધ : આસક્તિનાં બંધન છૂટવાથી પોતાનો આત્મા છૂટે છે. આવું આત્મિક સ્વાવલંબન એ જ સનાથતા. આવી સનાથતા સાંપડે એટલે બહારના સહાયોની ઇચ્છા જ ન રહે. આવી સનાથતા પામે તે જીવાત્મા બીજા જીવોનો પણ નાથ બની શકે. બહારનાં બંધનોથી કોઈને છોડાવવાં તે કંઈ સાચી રક્ષા ન કહેવાય. પીડાતા પ્રાણીને આંતરિક બંધનોથી છોડાવવાં તે જ સાચું સ્વામિત્વ ગણાય. આવી સનાથતા એ જ સાચી સનાથતા. આ સિવાયની બીજી બધી અનાથતા જ સમજવી.