________________
૧૦૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૫. જેમ અતિ દુઃખી થયેલા પુત્રો મરેલા પિતાને ઘર બહાર કાઢે છે તેમ મરેલા પુત્રોના દેહને પિતા ત્યાગે છે. સગા બાંધવોનું પણ તેમજ સમજવું. માટે હે રાજન્ ! તપશ્ચર્યા અને ત્યાગ (અનાસક્તિ) માર્ગમાં ગમન કર,
નોંધ : ચેતન ગયા પછી સુંદર દેહ પણ સડવા માંડે છે. એટલે પ્રેમીજન પણ તેને જલદી બહાર કાઢી ચિતામાં સળગાવી દે છે.
૧૬. હે રાજન્ ! ઘરધણી મરી ગયા પછી તેણે એકઠું કરેલું ધન અને પોતે પોષેલી સ્ત્રીઓને કોઈ બીજા મનુષ્યો જ ભોગવે છે અને ઘરનાં બધાં હર્ષ અને સંતોષપૂર્વક તે મરેલાનાં આભૂષણોથી અલંકૃત થઈ આનંદ કરે છે.
નોંધ : મરેલાનો વિરહ થોડો વખત સાલે છે. પરંતુ સંસારની ઘટના જ એવી છે કે સ્વાર્થ હોય તો લાંબા કાળે અને સ્વાર્થ ન હોય તો થોડા જ વખતમાં તે દુઃખ ભૂલી જવાય છે.
૧૭. સગાંવહાલાં, ધન, પરિવાર એ બધું અહીં રહી જાય છે અને માત્ર તે જીવે કરેલાં શુભ કે અશુભ કર્મ જ સાથે આવે છે. તે શુભાશુભ કર્મથી જોડાયેલો જીવાત્મા એકલો જ પરભવમાં ચાલ્યો જાય છે.
નોંધ : આવી જાતની સંસાર ઘટના બતાવવાથી તે સંસ્કારી રાજાનું હૃદય વૈરાગ્યમય બની જાય છે.
૧૮. એ પ્રમાણે યોગીશ્વરની પાસે સત્યધર્મને સાંભળીને તે રાજા (પૂર્વ સંસ્કારોની પ્રબળતાથી) તે જ સમયે સંવેગ (મોક્ષની તીવ્ર અભિલાષા) અને નિર્વેદ (દવ તથા મનુષ્ય સંબંધીના કામભોગોથી વૈરાગ્ય)ને પામ્યા.
૧૯. હવે સંયતિરાજા રાજ્યને છોડીને ગર્દભાલી મુનિ પાસે જૈનશાસનની દીક્ષા લઈ સંયતિમુનિ બની ગયા.
નોંધ : સાચો વૈરાગ્ય જાગે પછી ક્ષણભર પણ કેમ રહેવાય ? આવા સંસ્કારી જીવો અપૂર્વ આત્મબળ ધરાવનારા હોય છે.
ગર્દભાલી મુનિશ્વરના શિષ્ય સંયતિમુનિ સાધુજીવનમાં પરિપક્વ તેમ જ ગીતાર્થ (જ્ઞાની) બની ગુરુ પાસેથી આજ્ઞા લઈ એકદા ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા એક સ્થળે આવે છે. ત્યાં તેમને એક બીજા રાજર્ષિ મળે છે. આ ક્ષત્રિય રાજર્ષિ દેવલોકથી ઍવીને (નીકળીને) મનુષ્યભવ પામ્યા છે. તે પણ પૂર્વના પ્રબળ સંસ્કારી હોવાથી કંઈક નિમિત્ત મળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું છે અને તેથી ત્યાગી બની દેશોદેશ વિચરી જિનશાસનને શોભાવી રહ્યા છે.