________________
સંયતીય
૧૦૫ નોંધ : ગુનેગારનું અંતઃકરણ સ્વયં ખળભળ્યા કરે છે તેથી તેના હૃદયમાં પ્રથમથી ભય તો હતો જ. પરંતુ યોગીશ્વરના મૌને તેને વધારે વ્યાકુળ બનાવી મૂક્યો.
૧૦. પોતાની ઓળખાણ આપતાં કહે છે કે, હે ભગવન્! હું સંયતિ (નામનો રાજા) છું. મને કંઈક કહો. કારણ કે મને બહુ બીક લાગે છે કે રખે કોપિત થયેલા અણગાર પોતાના શક્તિપ્રભાવ (તેજોવેશ્યા)થી કરોડો મનુષ્યોને બાળી નાંખે !
નોંધ : તપસ્વી અને યોગીપુરુષોને અનેક પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. પરંતુ આદર્શપુરુષો તેનો દુરુપયોગ કદી કરતા જ નથી છતાં મહારાજાને તેવો ભય ઉત્પન્ન થાય તે તો સ્વાભાવિક જ છે. મુનિશ્રી ધ્યાનમાંથી જાગૃત થઈ સ્વસ્થ થયા અને ભયભીત રાજાને જોઈ તુરત જ બોલી ઊઠ્યા :
૧૧. હે રાજન્ ! તને અભય હો ! અને તું પણ હવે (તારી નીચેના જીવોને માટે) અભયદાનનો દાતા બની જા. અનિત્ય એવા આ જીવલોક (સંસાર)ને વિશે હિંસાના કાર્યમાં શા માટે આસક્ત થાય છે ?
નોંધ : જેમ મારા ભયથી તું મુક્ત થયો તેમ તું પણ સર્વ જીવોને તારા ભયથી મુક્ત કર. અભયદાન જેવું એક ઉત્તમ દાન નથી. ક્ષણિક એવા મનુષ્યજીવનમાં આવાં ઘોર કૃત્યો શા માટે કરે છે ?
૧૨. જો તારે રાજપાટ, મેડી, મંદિર, બાગબગીચા, સ્વજન પરિવાર અને શરીર વગેરે બધું છોડીને કર્મવશાત્ વહેલું મોડું જવાનું જ છે તો અનિત્ય એવા આ સંસારમાં રાજય પર પણ આસક્ત શા માટે થાય છે ?
૧૩. જેના પર તું મૂંઝાઈ રહ્યો છે તે જીવન અને રૂપ એ બધું તો વિદ્યુતના ચમકારા જેવું ચંચળ છે. માટે હે રાજન ! આ લોકની ચિંતા છોડી પરલોક માટેનો કંઈક વિચાર કર. શા માટે પછીનાં પરિણામને ચિંતવતો નથી ?
૧૪. સ્ત્રી, પુત્રો, મિત્રો કે બંધુઓ જીવતાને જ અનુસરી તેમાં ભાગીદાર બને છે. મરણ થયા પછી કોઈ અનુસરતું નથી.
નોંધ : આ દેખાતું સગપણ જીવન સુધીનું જ છે અને મનુષ્યજીવન પણ ક્ષણિક અને પરતંત્ર છે. તો તેવા ક્ષણિક સગપણ માટે જીવન હારી જવું કોઈ રીતે ઉચિત નથી.