________________
૧૦૦
ઉત્તરાધ્યયન સૂત્ર સદુભાવપૂર્વક સેવા ન કરે, ઉપકારને ભૂલી જાય કે પૂજા સન્માન ન કરે તે પાપી શ્રમણ કહેવાય છે.
૬. ત્રસ (હાલતાચાલતા) જીવોને, સચેત (સજીવ) બીજાને, વનસ્પતિ કે સૂક્ષ્મ જીવોને પણ ચાંપે કે હિંસા કરે તો અસંયમી ગણાય છતાં પોતાને સંયમી માને તે પાપી શ્રમણ કહેવાય છે.
૭. તૃણાદિની શય્યા, પાટ કે બાજોઠ, સ્વાધ્યાયની ભૂમિકા, બેસવાની ભૂમિકા, પગ લૂછવાનું વસ્ત્ર, કામળી વગેરે બધી વસ્તુને સંભાળપૂર્વક તપાસવી, તપાસ્યા વિના તેને વાપરે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : સંયમી માટે પોતાનાં ઉપયોગી સાધનોને દિવસમાં બે વાર તપાસવાની જૈનશાસ્ત્રમાં આજ્ઞા છે. કારણ એ છે કે તેમ ન કરવામાં સૂક્ષ્મ જીવોની હિંસાનો સંભવ છે અને તે સિવાય બીજા પણ કેટલાક અનર્થોનો સંભવ છે.
૮. પોતાના સંયમધર્મને ન છાજે તેવું કાર્ય કરે. વારંવાર ક્રોધ કર્યા કરે કે પ્રમાદપૂર્વક ઉતાવળો ઉતાવળો ગમન કરે તે પાપી શ્રમણ કહેવાય છે.
૯. જ્યાં ત્યાં જોયા વિના અવ્યવસ્થિત પોતાનાં પાત્ર, કંબલ ઇત્યાદિ સાધનોને મૂકી દે અને જુએ તોપણ અસાવધાનતાથી નિરીક્ષણ કરે તે પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : અવ્યવસ્થા અને અસાવધાનતા સંયમમાં બાધક છે.
૧૦. પોતાના ગુરુનો વચનથી કે મનથી પરાભવ કરે છે તેમજ અનુપયોગી વાતો સાંભળતાં સાંભળતાં અસાવધાનતાથી પ્રતિ લેખન (નિરીક્ષણ) કરે છે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
૧૧. જે ઘણું કપટ કર્યા કરે, જૂઠું બોલે, અહંકારી હોય, લોભી કે અજિતેંદ્રિય હોય, અવિશ્વાસુ અને અસંવિભાગ (પોતાના સંગાથી કે સાધક કરતાં ગુપ્ત રીતે વધારે ચીજો ભોગવે તેવો) હોય તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
૧૨. જે અધર્મી (દુરાચારી), પોતાની કુબુદ્ધિથી બીજાની બુદ્ધિનો પરાભવ કરનાર, વિવાદને ઉત્પન્ન કરનાર તેમજ લડાઈ અને કલહમાં સદા રક્ત રહેનાર હોય છે તે પાપી શ્રમણ કહેવાય છે.
૧૩. અસ્થિર અને કચકચાટ શબ્દો થાય તેવા આસનને વિશે જયાં ત્યાં બેસે કે અસાવધાનતાથી આસન પર બેસે તેમ જ કોઈપણ કાર્યમાં બરાબર ઉપયોગ ન રાખે તે પાપી શ્રમણ કહેવાય છે.