________________
૯૮
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : આ ત્રણ શ્લોકમાં પૂર્વકથિત વસ્તુઓ વધુ સ્પષ્ટ બતાવી છે.
૧૪. હમેશાં તપસ્વી ભિક્ષુએ દુર્જય એવા કામ ભોગોને જીતીને બ્રહ્મચર્યમાં ક્ષતિ થવાનો સંભવ રહે તેવાં બધાં શંકાનાં સ્થાનો છોડી દેવાં.
૧૫. ધર્યવાન અને સદ્ધર્મરૂપ રથ ચલાવવામાં સારથિ સમાન ભિક્ષુએ ધર્મરૂપી બગીચામાં વિચરવું, અને ધર્મરૂપ બગીચામાં રક્ત થઈને ઇંદ્રિયોનું દમન કરી બ્રહ્મચર્યમાં જ સમાધિ (દત્તચિત્ત) કેળવવી.
૧૬. દેવો, દાનવો અને ગાંધર્વ જાતિના દેવો યક્ષો, રાક્ષસો અને કિન્નરજાતિના દેવો પણ જે દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે તેવા પુરુષને નમસ્કાર કરે છે. (દવો પણ બ્રહ્મચારીના દાસ બને છે.)
૧૭. આ બ્રહ્મચર્ય રૂપ ધર્મ નિરંતર સ્થિર અને નિત્ય છે. તે ધર્મનું પાલન કરી અનેક જીવાત્માઓ અંતિમ લક્ષ્ય પહોંચ્યા છે, પહોંચે છે અને પહોંચશે. એમ તીર્થકર જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
નોંધ : આદર્શ બ્રહ્મચર્ય સૌ કોઈને માટે સુલભ નથી. છતાં આકાશ કુસુમની માફક અશક્ય પણ નથી. બ્રહ્મચર્ય મુમુક્ષુનું પગથિયું છે. મન, વચન અને કાયાથી યથાશક્ય બ્રહ્મચર્યનું આરાધન કરવું. બ્રહ્મચર્યની પ્રીતિ જાળવવી અને બ્રહ્મચર્યના રક્ષણ માટે ઉપર કહેલા નિયમો પર લક્ષ્ય આપવું.
એમ કહું છું. એમ બ્રહ્મચર્યનાં સમાધિ (રક્ષણ) સ્થાનો નામનું
સોળમું અધ્યયન સમાપ્ત થયું.