________________
બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો
૮. સંયમી જીવન નિભાવવા માટે ભિક્ષુ ધર્મને જાળવી, મળેલી ભિક્ષાને પણ ભિક્ષા વખતે માપ પૂર્વક ગ્રહણ કરે. બ્રહ્મચર્યના ઉપાસક અને તપસ્વી ભિક્ષુઓ અધિક આહાર કદી ન કરે.
નોંધ : ભિક્ષુઓનું ભોજન સંયમી જીવન ટકાવવા માટે જ હોવું જોઈએ. અતિભોજન આલસ્યાદિ દોષોને ઉત્પન્ન કરી સંયમી જીવનથી ભ્રષ્ટ કરી મૂકે છે.
૯. બ્રહ્મચર્યને વિશે રક્ત રહેલા ભિક્ષુએ શરીરની વિભૂષા અને શરીરનો શણગાર છોડી દેવો. વસ્ત્રાદિ કોઈ પણ વસ્તુઓ શૃંગાર માટે ધારણ ન કરવી.
નોંધ : નખ કે કેશ સમારવા કે શરીરની અનુપયોગી વારંવાર ટાપટીપ કરવી અને તેને માટે જ સતત લક્ષ્ય રાખવું તે અનાવશ્યક છે. એટલું જ નહિ પરંતુ શરીર પરની એવી આસક્તિ કેટલીક વાર પતનના નિમિત્તભૂત પણ થાય છે.
૧૦. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિય સંબંધીના કામ ભોગોને છોડી દેવા.
નોંધ : આસક્તિ એ જ દુઃખ છે. આસક્તિ એ જ બંધન છે. તેવું બંધન જેથી થાય છે તે વસ્તુઓને છોડી દેવી. અને પાંચ ઈદ્રિયોને સંયમમાં રાખી તેનાથી યોગ્ય કાર્ય લેવું એ જ સાધકને માટે આવશ્યક છે. કાનથી સપુરુષોનાં વચનામૃતો પીવાં, જીભથી સત્ય બોલવું, શરીરથી સત્કર્મ કરવું, આંખોથી સદ્ વાંચન કરવું અને મનથી ધ્યાન અને ઊંડું ચિંતન કરવું એ જ ઈદ્રિયોનો સંયમ ગણાય.
૧૧. સારાંશ કે (૧) સ્ત્રીનોવાળું સ્થાન, (૨) મન લોભાવે તેવી સ્ત્રીકથા, (૩) સ્ત્રીઓનો પરિચય, (૪) સ્ત્રીઓનાં અંગોપાંગ જોયા કરવાં.
૧૨. (૫) સ્ત્રીઓના કોયલ જેવા શબ્દો, ગીત, રુદન, હાસ્ય, (૬) સ્ત્રી સાથે ભોગવેલા ભોગો તથા સ્ત્રી સંગાથે પૂર્વ જીવનમાં ભોગવેલાં સ્થાનો હોય તે બધું સંભારવું, (૭) સરસ ભોજન ખાવાં કે (૮) મર્યાદા ઉપરાંત ભોજન ખાવાં.
૧૩. (૯) કૃત્રિમ સૌંદર્ય વધારવા માટે કરેલી શરીરની શોભા અને (૧) દુર્જય એવા પાંચ ઇંદ્રિયોના ભોગો આ દશે વસ્તુઓ આત્મશોધક જિજ્ઞાસુઓને તાલપુટ (ભયંકર વિષ) ઝેર જેવી છે.