________________
८४
ઉત્તરાધ્યયન સૂત્ર તરુણ યુવાનોનાં હૃદયદ્રાવક વચનોએ પિતાજીના પૂર્વ સંસ્કારને જાગૃત
કરી દીધા. તેણે પોતાનાં ધર્મપત્નીને ઉદ્દેશીને કહ્યું : ૨૯. હે વાશિષ્ઠ ! મારે માટે ભિક્ષાચારી (ભિક્ષુધર્મ ગ્રહણ કરવા)નો સમય હવે આવી લાગ્યો છે. કારણ કે જેમ વૃક્ષ શાખાઓથી જ શોભે છે અને સ્થિર રહે છે. શાખાઓ છેદાઈ ગયા પછી તે ઉત્તમ વૃક્ષ ટૂંઠું દેખાય છે તેમ બે પુત્રો વિના મારે પણ ગૃહસ્થજીવનમાં રહેવું યોગ્ય નથી.
નોંધ : પત્નીનું વશિષ્ઠ ગોત્ર હોવાથી તે સંબોધન લીધું છે.
૩૦. જેમ પાંખ વિનાનું પક્ષી, સંગ્રામને મોખરે સેવક વિનાનો રાજા અને વહાણમાં દ્રવ્ય વિનાનો વાણિયો શોભતો નથી અને શોક કરે છે તે જ રીતે પુત્ર વિનાનો હું પણ શોભતો નથી અને દુઃખી થાઉં છું.
૩૧. (આ સાંભળી જશા ભાર્યા પતિને ઉદ્દેશીને કસોટી કરવા કહેવા લાગી :) ઉત્તમ પ્રકારના રસવાળાં અને સુંદર આ બધાં કામભાગોનાં સાધનો એકઠાં થયાં છે તો હમણાં તે કામભોગોને (ઇંદ્રિયોના શબ્દાદિક વિષયોને) ખૂબ ભોગવી લઈએ. પછી સંયમ માર્ગ અવશ્ય અંગીકાર કરીશું. - ૩૨. હે ભગવતી ) (કામભોગોના) રસો ખૂબ ભોગવી લીધા છે. યૌવન હવે ચાલ્યું જાય છે. વળી અસંયમમય જીવિત ભોગવવા માટે (કે બીજી કોઈ ઈચ્છાથી) હું ભોગોને તજતો નથી. પરંતુ ત્યાગી જીવનનાં લાભ, અલાભ, સુખ અને દુઃખને ખૂબ વિચારીને જ મૌન (સંયમમાર્ગ)ને આદરું છું.
નોંધઃ ભિક્ષુજીવનમાં તો ભિક્ષા મળે ન મળે, અનેક પ્રકારનાં બીજાં સંકટો પણ આવે. ગૃહસ્થજીવનમાં તો બધું સ્વતંત્ર ભોગવવાનું મળ્યું જ છે. છતાં ત્યાગી જીવનની ઇચ્છા થાય તે પૂર્વના યોગ સંસ્કારોનું જ કારણ છે. ત્યાગમાં જે દુઃખ છે તે ગૌણ છે, અને આનંદ છે તે મુખ્ય છે. એ આનંદ, એ શાંતિ, એ વિરામ ભોગોમાં ક્યાંય કોઈએ અનુભવ્યો નથી અને અનુભવશે પણ નહિ.
૩૩. પાણીના પૂરની સામે ચાલનારી વૃદ્ધ હંસ જેમ પછીથી ઝરે છે (ખેદ પામે છે, તેમ તું ખરેખર પછી સ્નેહીજનોને રખે સંભારીને ખેદ પામે ! (કે હાય ! મેં શા માટે સંયમમાર્ગ ગ્રહણ કર્યો ? તેમ) માટે ગૃહસ્થાશ્રમમાં મારી સાથે રહીને ભોગોને ભોગવ. ભિક્ષાચરી (ભિક્ષુધર્મ)ની વાટ બહુબહુ દુ:ખદ છે.
નોંધ : આ શ્લોકમાં સંયમ માર્ગનાં કષ્ટ અને ગૃહજીવનના પ્રલોભન આપી પાકી કસોટી કરે છે.