________________
ઈષકારીય
૨૩. (પુત્રો કહે છે :) આ આખો લોક મૃત્યુથી પીડાઈ રહ્યો છે અને જીર્ણ અવસ્થા (ઘરડાપણું)થી વિટાઈ રહ્યો છે. તીણ શસ્ત્રધારારૂપ રાત્રિ દિવસો આયુષ્યને ક્ષણે ક્ષણે કોરી રહ્યાં છે. એ પ્રમાણે હે પિતાજી ! તમે આ વાતને ખૂબ વિચારો.
૨૪. જે જે રાત્રિદિવસ જાય છે તે પાછાં ફરતાં નથી. આવા ટૂંક કાળના જીવનમાં અધર્મને કરનારના સમયો નિષ્ફળ ચાલ્યા જાય છે.
નોધ : અમૂલ્ય ક્ષણો પુનઃ પુનઃ સાંપડતી નથી. સમય જતાં જતાં પણ પશ્ચાત્તાપને મૂકી જાય છે.
૨૫. જે જે રાત્રિદિવસ જાય છે, તે પાછાં ફરતાં નથી. પણ સદ્ ધર્મના આચરનારને તે સફળ થઈ જાય છે.
નોંધ : સમયનો સદુપયોગ કરનારને સમય હાથમાંથી ગયા પછી પસ્તાવું પડતું નથી.
*પુત્રનાં અમૃત વચનોએ પિતાનું હૃદય પલટાવ્યું હતું છતાં વાત્સલ્યનો પ્રવાહ વિખૂટાં પાડતાં રોકી રહ્યો હતો.
તે બોલ્યા : ૨૬. હે પુત્રો ! સમ્યકત્વ સંયુક્ત થઈને (આસક્તિ રહિત બનીને) થોડો કાળ ચારે જણા (માતા, પિતા અને બે પુત્રો) ગૃહસ્થાશ્રમમાં થોડો વખત રહીને પછી ઘેર ઘેર ભિક્ષાથી જીવન ચલાવનારા આપણે બધા આદર્શ ત્યાગી થઈશું.
૨૭. પુત્રોએ કહ્યું : પિતાજી !) જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટી શકતો હોય અથવા જે જાણતો હોય કે હું મરીશ નહિ તે જ ખરેખર આવતી કાલ પર વિશ્વાસ રાખી શકે.
નોંધ : કેટલી જિજ્ઞાસા ! કેટલી તાલાવેલી ! આદર્શ વેરાગીનાં કેવાં હૃદયભેદક વચનો ! શું આ ભાવ અંતરની ઊંડી પ્રતીતિ વિના કે ત્યાગની યોગ્યતા વિના ઉદ્ભવી શકે? સત્યની તાલાવેલી પછી ક્ષણવાર પણ થોભવું તેને અસહ્ય થઈ પડ્યું હતું.
૨૮. માટે જેને મેળવીને ફરીથી જન્મ જ ન લેવો પડે તેવા સાધુ ધર્મ (ત્યાગમાર્ગ)ન આજે જ અંગીકાર કરીશું. આવાં વિષયસુખ નથી ભોગવ્યાં તેવું છે જ નહિ. માટે હવે એ રાગ (સંસારની આસક્તિ)ને છોડીને ભિક્ષુધર્મમાં શ્રદ્ધા રાખવી એ જ યોગ્ય છે.