________________
૮૨
ઉત્તરાધ્યયન સૂત્ર નષ્ટ થાય છે. શરીર નાશ પામ્યા પછી ચેતન રહેતું જ નથી. (તો પછી ધર્મ શા માટે ? અને સંયમ શા માટે ?)
નોંધ : ચાર્વાક મતનું એ કથન છે કે પંચ મહાભૂતથી જ કોઈ શક્તિ ઉત્પન્ન થાય છે અને તે શરીરની સાથે જ ક્ષીણ થાય છે. પરંતુ વાસ્તવિક રીતે ચેતન શક્તિનો ક્ષય કદી થઈ શકે જ નહિ. અરણિ, તલ અને દૂધમાં અગ્નિ, તેલ અને ઘી બહાર ન દેખાવા છતાં તે અવ્યક્ત રીતે અવશ્ય રહેલું જ હોય છે. તેમ શરીર ધારણ કરતી વખતે કર્મથી સંડોવાયેલું ચેતનતત્ત્વ રહેલું જ હોય છે. અને શરીર ક્ષીણ થયે (કર્માનુકૂળ) બીજા શરીરમાં યોજાય છે.
૧૯. (પુત્રોએ કહ્યું : હે પિતાજી !) આત્મા અમૂર્ત હોવાથી ઇંદ્રિયો દ્વારા ગ્રહણ કરી (જોઈ કે સ્પર્શી) શકાતો નથી. વળી ખરેખર અમૂર્ત હોવાથી જ તે નિત્ય ગણાય છે. આત્મા નિત્ય હોવા છતાં જીવાત્મામાં રહેલા અજ્ઞાનાદિ દોષોએ કરીને તે બંધાય છે. આ બંધન એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે એમ મહાપુરુષો કહે છે.
નોંધ : જેટલાં અમૂર્ત દ્રવ્યો છે તે બધાં નિત્ય હોય છે. જેમકે આકાશ અમૂર્ત છે. તો તે નિત્ય જ છે. પરંતુ આકાશદ્રવ્ય અખંડ નિત્ય છે અને જીવાત્મા (કર્મથી બંધાયેલો જીવ) પરિણામી નિત્ય છે અને તેથી જ કર્મવશાત્ તે નાના મોટા આકારમાં પરિણમી ઉચ્ચ નીચ ગતિમાં ગમન કરે છે.
૨૦. આજ સુધી અમે મોહના બંધનથી ધર્મને જાણી શકતા ન હતા અને તેથી જ ભવચક્રમાં રૂંધાતા અને કામભોગોમાં આસક્ત થતા થતા પાપનાં કામો કર્યે જ જતા હતા. પણ હવે જાણ્યા પછી ફરીથી તેમ નહિ કરીએ.
નોંધ : એક વખત અમે પણ અજ્ઞાનથી શરીર મોહમાં રાચી પાપ પુણ્ય નથી, પરલોક નથી. એમ તમારા કહેવા પ્રમાણે માન્યતા ધરાવતા હતા. પરંતુ હવે જાણ્યા પછી તે વસ્તુ અંતરમાં જરા પણ ઊતરતી નથી.
૨૧. સર્વદિશાથી ઘેરાયેલો આ આખો સંસાર તીર્ણ શસ્ત્ર ધારાઓ (આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપ)થી હણાઈ રહ્યો છે. તેથી ગૃહજીવનમાં લેશમાત્ર પ્રીતિ ઉત્પન્ન થતી જ નથી
૨૨. હે પુત્રો ! શાથી આ લોક વીંટાયો છે ? શાથી આ લોક હણાઈ રહ્યો છે ? સંસારમાં કયા ક્ષીણ શાસ્ત્રીની ધારાઓ પડી રહી છે ? તે ચિંતામાં પડેલા મને તમે સત્વર કહો.