________________
७८
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : ચૌદમું ઈપુકારીય ઈષુકાર રાજા સંબંધી
સંગની અસર જીવન પર સચોટ થાય છે. ઋણના અનુબંધો ગાઢ પરિચયથી જાગે છે. સત્સંગથી જીવન અમૃતમય બને છે અને પરસ્પરના પ્રેમભાવથી એકબીજા પ્રત્યે સાવધ રહેલા સાધકો સાથે સાથે રહી જીવનના ધ્યેયે પહોંચી વળે છે.
આ અધ્યયનમાં આવા જ છ જીવોનું મિલન થયું છે. દેવ-યોનિમાંથી ઊતરી આવેલ છ પૂર્વયોગીઓ એક જ ઇષુકાર નગરમાં અવતર્યા છે. તેમાંના ચાર બ્રાહ્મણકુળમાં અને બે ક્ષત્રિયકુળમાં યોજાયા છે. બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા બે કુમારો યોગ સંસ્કારોની પ્રબળતાથી યુવાનવયમાં ભોગોની લાલચથી પર થાય છે. સંસારની વાસનાને દૂર કરી યોગ લેવા પ્રેરાય છે. તેમનાં માતા અને પિતારૂપે યોજાયેલા બે જીવો પણ તેના યોગબળથી આખરે આકર્ષાય છે અને આખું કુટુંબ ત્યાગમાર્ગને શીઘ્ર અંગીકાર કરી લે છે.
ઇષુકારનગરમાં ધન માલ અને પરિવાર-આદિનાં બંધનને તોડી એકીસાથે આ ચાર સમર્થ આત્માઓનું મહાભિનિષ્ક્રમણ અજબ વિસ્મયતા જગાડે છે. આખા શહેરમાં ધન્યવાદના ધ્વનિઓ ગાજી રહે છે. આ સાંભળી પૂર્વભવની પ્રેરણા રાણીજીને પણ જાગૃત થઈ જાય છે અને તે ભાવનાની અસર રાજાજીને પણ એકાએક થઈ આવે છે, અને આવી રીતે એ છએ જીવાત્માઓ સંયમમાર્ગનો અંગીકાર કરી આકરાં તપશ્ચરણ અને સાધુતા સેવી અંતિમ ધ્યેયને પામી જાય છે. તે બધો ઉલ્લેખ આ અધ્યયનમાં મળે છે.
ભગવાન બોલ્યા :
૧. પૂર્વભવમાં દેવો થઈને એક વિમાનમાં રહેલા કેટલાક (છ) જીવો દેવલોક જેવા રમ્ય, સમૃદ્ધ, પ્રાચીન અને પ્રસિદ્ધ એવા ઇષકાર નામના નગરમાં ઉત્પન્ન થયા.
૨. પોતાનાં શેષ (બાકી રહેલાં) કર્મો વડે ઉચ્ચ એવા કુળમાં ઉત્પન્ન થયા છે અને પછીથી ત્યાં સંસારભયથી ઉદ્વિગ્ન થઈ સંસારને છોડીને જિનંદ્રમાર્ગ (સંયમ ધર્મ)ને શરણે ગયા છે.