________________
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : તેરમું
ચિત્તસંભૂતીય ચિત્ત અને સંભૂતિ સંબંધી
સંસ્કૃતિ એ જીવન સાથે જડાયેલી વસ્તુ છે. જીવનશક્તિની તે પ્રેરણા પુનઃ પુનઃ ચેતનને કર્મબળ દ્વારા ભિન્નભિન્ન યોનિમાં જન્માવે છે. પરસ્પર પ્રેમથી ઋણાનુબંધો થાય છે અને વિરોધક અપવાદ ન હોય તો સમાન શીલના જીવો-સમાન ગુણનાં પ્રાણીઓ એક જ સ્થળે ઉત્પન્ન થાય છે. અને જન્મપર્યત અખૂટ પ્રેમની સરિતામાં પરસ્પર ઝીલે છે અને પછી પણ સાથે
જ જન્મ લે છે.
ચિત્ત અને સંભૂતિ બંને ભાઈ હતા. અખંડ પ્રેમની ગાંઠથી જકડાયેલા હતા. એક નહિ, બે નહિ, ત્રણ નહિ બલ્ક પાંચ પાંચ જન્મો સુધી સાથે રહ્યા, સાથે જીવ્યા. આવા પ્રબળ પ્રેમબંધુઓ છદ્દે ભવે પૃથક પૃથક ઉત્પન્ન થાય છે તેનું શું કારણ હશે ? છ ભવે બંનેના રાહો શાથી પલટાયા હશે! તેનું પ્રબળ કારણ એકની આસક્તિ અને બીજાની નિરાસક્તિ છે. બંને ભાઈઓનો પ્રેમ જેમ જેમ શુદ્ધ થતો ગયો તેમ તેમ તે વિકાસ પંથે સાથે ને સાથે ઊડ્યા.
પ્રથમ જન્મમાં તે દશાર્ણ દાસ રૂપે સાથે રહ્યા હતા. ત્યાંથી કાળે કરીને કાલિંજર નામના પર્વત પર મૃગલા થયા. સંગીત પર તેમનો અભંગ સ્નેહ હતો. ત્યાંથી મારીને મૃતગંગાના તીર પર હંસ રૂપે જન્મ લીધો. ત્યાં પણ સ્નેહપૂર્વક જીવ્યા અને પ્રેમવશાત્ સાથે જ મરણ પામ્યા. ત્યાંથી નીકળીને પુનર્ભવ પામી કાશી ભૂમિમાં ચંડાલ રૂપે ઉત્પન્ન થયા.
તે વખતે નમુચિ નામનો પ્રધાન ખૂબ બુદ્ધિમાન અને મહાસંગીતશાસ્ત્રી છતાં મહાન વ્યભિચારી હતો. તેણે તે દોષ રાજઅંતઃપુરમાં પણ સેવ્યો. તે જાણી કાશી રાજાએ તેને મૃતદંડની શિક્ષા કરી.
ફાંસીને લાકડે ચડાવતાં ચડાવતાં ચંડાલ કે જે ચિત્ત અને સંભૂતિનો પિતા હતો તેને દયા ઉત્પન્ન થવાથી તેણે નમુચિને બચાવી લીધો છે અને પોતાને ત્યાં ગુપ્ત રાખી પોતાના પુત્રોને સંગીતવિદ્યા શીખવવા યોજ્યો છે.