________________
૩૯૮
ગીતા દર્શન
નથી, એનું ચિત્ત પણ એમાં અને પ્રાણ પણ એમાં; તેમ અહીં ચિત્ત-એટલે અંતરંગ શરીર, અને પ્રાણ-એટલે બહિરંગ શરીર, એમ જ્ઞાની જનોનાં બંને પ્રભુમય બને છે. સારાંશ કે, એના કર્મમાં પ્રભુ, જ્ઞાનમાં પ્રભુ અને ભકિતમાં પણ પ્રભુ. એટલે સત્સંગી સાથેના સત્સંગમાં પણ એને પ્રભુનામ જ ગમે છે. કથા કરે ત્યાં પણ પ્રભુ. એમાં જ એને આનંદ અને એમાં જ એને પ્રસાદ.
સંસારવિલાસી જીવડા બિચારા વિષ્ટાનાં જીવડાંની જેમ આનંદપ્રમોદનાં સાધનો અને વિક્ત વિલાસવર્ધક સ્થળો પસંદ કરે છે; જ્યારે જ્ઞાનીની દશા ઉપર કહી તેમ, તૂહી તૂહી જ હોય છે.
જેમ મીરાંને હતું, તેમ એક ગિરધર જેને સર્વત્ર દેખાય છે, એને માટે તો 'ભવસાગર પણ સુકાઈ જ ગયો છે. એટલે જ સતતયુકત અને તે પણ પરાણે નહિ, પ્રીતિપૂર્વક-અંતરની દાઝથી, એવી વાત કહી છે. તો પછી આવો સાધક અબૂઝ હોય તોય શું થયું? એનું તો ઘરનું તાળું જ ખૂલી ગયું. પછી જ્ઞાનનો શો. તોટો? છેવટે તે સંપૂર્ણ આત્મમય જ બનવાનો. અને આમ જ્ઞાનદીવો પ્રગટયો, પછી અજ્ઞાનરૂપી અંધારું કયાંથી રહે?
શ્રીકૃષ્ણજી અહીં ગુરુરૂપે બોલતા હોઈને હું ટાળું છું” એમ કહે છે, તે બરોબર છે. અનુકંપા શબ્દ પણ બરાબર પ્રસંગોચિત્ત મુકાયો છે. મહેર, રહેમ, દયા, કરુણા એ બધા ભાવો ઉત્તરોત્તર બીજા ખાતર પોતે કંઈક કરી છૂટે એવો ભાવ સૂચવે છે, જ્યારે અનુકંપા” શબ્દ તો સમકોટિનો છે, એટલે તે આત્માની આત્મા સાથે સહાનુભૂતિના અર્થમાં છે. જ્ઞાની શિષ્યનો આત્મા અને ગુરુનો આત્મા એક્તા અનુભવે છે, ત્યાં અનુકંપા શબ્દ વપરાય છે. આ રીતે શ્રીકૃષ્ણરૂપી ગુરુ અને અર્જુનરૂપી શિષ્ય, બન્ને એકાકાર બની ગયા છે. અને બીજા પણ ગુરુ-શિષ્ય આમ એકાકાર બને ત્યાં ઘટનું અંધારું ટળી જ્ઞાનપ્રકાશ પથરાઈ જાય છે. પણ આવી દશા, ઉપર કહેલા સતત યોગ, પ્રીતિપૂર્વકનાં ભજન, અનસૂયાભાવ અને શ્રદ્ધાળુપણા વિના ન આવી શકે. અહીંથી એક સમર્થ જ્ઞાની પેઠે અર્જુનને પણ ઊર્મિ ઊઠે છે, અને તે કહે છે:
अर्जुन उवाच : परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् । पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् ।। १२ ।।