________________
૩૮૨
ગીતા દર્શન
સંત માત્ર એક દ્રષ્ટિએ પ્રભુનાં પ્રતીક છે, કારણ કે જેણે પ્રભુતાનો સાક્ષાત્કાર કર્યો છે, તે પોતે પ્રભુ છે. એ રીતે સાચા સંત ભાવભૂખ્યા છે, પદાર્થભૂખ્યા નહિ. ઉપરના શ્લોકનો આટલો સાર છે. આપનાર ભકિતમાન હોવો જોઈએ, અને સાથે સાથે સંયમી હોવો જોઈએ. અણહકની રોજી મેળવનારનું અનાજ અશુદ્ધ ગણાય. મૂઢ સ્વાર્થનું અનાજ પાપરૂપ ગણાય, અને પ્રામાણિકતાએ પામેલ રોજીવાળાનું અનાજ શુદ્ધ અને નિષ્પાપ ગણાય. સંયમ સાથે ભકિત પણ હોવી જોઈએ. એટલે ખાવામાં કરવામાં, આપવામાં કે તપ કરવામાં જો પ્રભુસમર્પણનો આદર્શ હોય, તો એવા આદર્શને લક્ષ્યમાં રાખીને કરેલી ક્રિયા આપોઆપ શુદ્ધ જ થશે. જૈનસૂત્ર દશામાં કહ્યું છે કે જેણે આત્માને દમી નાખ્યો છે, તેને માટે શરીર એ ભોગહેતુ નથી પણ સંયમહેતુ છે. એટલે એના બધા યોગો એ ખાતર જ હોઈને તે જે ક્રિયા કરશે તે સંવર અગર નિર્જરાની જ હશે. તેનું ખાવું, પીવું, સૂવું, ઊઠવું, બેસવું, બોલવું, વર્તવું બધું જ ઉપયોગ (આત્માની સમીપ લક્ષ્ય રાખીને સતત ટકી રહેવું તે) મય જ હશે, તેથી તેને પાપપુણ્યનાં ભલભૂંડાં ફળ નથી ભોગવવાં પડતાં, અને તે છેવટે મોક્ષ પામે છે.
જૈનસૂત્રોનાં અહિંસા, સંયમ અને તપ તે ગીતાનાં સમભાવ, કર્મકૌશલ્ય અને અનન્ય ભક્તિ, ગીતાનો સંન્યાસી તે માત્ર કર્મ-સંન્યાસી જ નહિ પણ કર્મફળની લાલસાનો ત્યાગી, તે જ રીતે જૈનસૂત્રોનો નિગ્રંથ એટલે અંતરની અને બહારની ગાંઠ છોડે તે નિર્ચથ. મોહસંબંધને સ્થાને કર્તવ્યસંબંધ સાધનાર સાધુ તે નિગ્રંથ. આસકિતના પારાને મારીને પીવા મથતો મસ્ત ભિક્ષુક તે નિગ્રંથ. કશાય સ્વચ્છેદ કે પ્રતિબંધ વિના સર્વ ક્ષેત્રે, સર્વકાળે, આત્મભાવે સમદષ્ટિવંત શાંતવિચારતો સાધુ તે મહાનિર્ચથ. એનાં કર્મમાત્ર સહજ હોઈને તેની ક્રિયા સંસારથી બાંધનારી નહિ પણ સંસારથી છોડાવનારી જ હોય અને છેવટે તે મોક્ષ મેળવીને વિરમે ત્યાં લગી અપ્રમત્તભાવે, અખંડ આત્માનંદના રસસાગરમાં એ ઝીલ્યા કરે.
એનો બાહ્યવેશ ગમે તે જાતનો હોય. તોય, તે મહાશ્રમણ છે. ઉપવાસ કરતો હોય કે ન કરતો હોય, તો તે સદોપવાસી છે. ધ્યાન ન ધરતો હોય, તોય તે ધ્યાની છે, કારણ કે તપનું પરમ ફળ વાસના-વિજય, તે એણે સાધ્યો છે. ધ્યાનનું પરમસાધ્ય આત્મા, તે તેણે સિદ્ધ કર્યો છે.
અહીં ગીતાવાચકને કદાચ એમ શંકા થાય કે, શું એકલા અર્જુનને જ પરંવહાલો ગણીને મોક્ષ અપાવે અને બીજાને નહિ? એ સાર હવે શ્રીકૃષ્ણમુખે જ કહેવાય છે.