________________
અધ્યાય નવમો
દેવતાનું વ્રત ધરનારા દેવગતિમાં જાય છે. પિતૃઓને પૂજનારા પિતૃલોકમાં જાય છે, ભૂતના પૂજકો ભૂતગતિમાં જાય છે. પણ મને પૂજનારા તો મારારૂપ જ બની રહે છે. (આટલું જ્ઞાન જેમને થાય તેઓ દેવલોક, પિતૃલોક કે ભૂતલોકને શા માટે યાચે ?)
૩૭૯
નોંધ : આપણે ૨૨મા શ્લોકમાં જે પાઠાંતર જોયું, તેમાં 'વિત' પદ છે, તે એમ સૂચવે છે કે પ્રભુનું અનન્ય ભાવે ચિંતન કરનારની સરસ ઓળખાણ એ કે તેઓ વૈરાગ્યમય હોય. જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત એ ત્રણે એકબીજાનાં ઓતપ્રોત હોય, ત્યારે પેટ, પહેરણ અને પથારીનો તોટો પડયો કયાંય જાણ્યો નથી. હા, એવા ભકતયોગીની કસોટી તો જરૂર થાય છે જ, અને એ કસોટીમાં જોનારને એનું ગમે તેવું દુઃખ પણ પોતાની આંખે દેખાય, પરંતુ ભકતયોગી તો એવી કટોકટીના પ્રસંગમાં પણ મસ્ત જ હોય છે.
"યોગક્ષેમ, પ્રભુ વહન કરે છે, માટે આપણે હાથ જોડીને બેસી રહીએ અને માત્ર મુખેથી ભજન લલકારીએ કે બેઠા બેઠા રામ-હિરનો જાપ કર્યા કરીએ.” એમ કોઈ માની લે તો અનર્થ થાય. યોગક્ષેમ પ્રભુ વહન કરે છે, એ તો ભકતને દિલાસો માત્ર છે. જે ખરેખરો યોગી ભકત છે, તે તો પોતાનો મુખ્ય આદર્શ જાળવી પ્રામાણિક જાતમહેનત, ખરેખરો વિવેક અને પ્રેમમય-રસમય જીવન બરાબર જીવશે જ, અને એ જાતનું જીવન લોકહૃદયમાં એવું સુંદર સ્થાન જમાવશે કે એવા ભકતયોગીને પેટ, પહેરણ કે પથારીની ખામી નહિ રહે ! એના ચરણમાં તો ત્રણ લોકનું સામ્રાજ્ય આવી ખડું થશે, પરંતુ તે એની સામેય નહિ જુએ. ખરું ધાન્ય મૂકી કયો ખેડૂત એક્લાં ફોતરાં ભેળાં કરશે ? ખરું જવાહિર આપી ક્યો ઝવેરી કાચ કટકો ખરીદશે ? પરમ શાન્તિરૂપ સહચરીનો સંગ છોડી કયો યોગી વિકારસેવન વાંછશે?
દેવના ભકતોએ તો પરંસ્વરૂપ જાણ્યું નથી એટલે જ બીજા ભોગો વાંચ્છે છે અને તેથી દેવની ઉપાસનાની હોડમાં પ્રાણપ્યારી અમૂલ્ય શ્રદ્ધા આપીને દેવલોકના કિંપાક ફળ જેવા ભોગો ખરીદી છેવટે પસ્તાય છે.
તેવીસમા શ્લોકના પાઠાંતરમાં 'વિધિપૂર્વક' એવો પાઠ છે, ત્યાં કર્મકાંડની વિધિ લેવી પડે છે અને મૂળમાં જ્યાં 'અવિધિપૂર્વક' પાઠ છે, ત્યાં અજ્ઞાનપૂર્વક અથવા ધ્યેયશૂન્યપણે એવો અર્થ લેવો પડે છે. સિપાઈને રાજા માની એની ગુલામીમાં જકડાવું તે કરતા રાજાને ઓળખી તેની સમીપમાં બેસવું શું ખોટું ?