________________
અધ્યાય નવમો
૩૬૫
અંતરાત્મ-સ્વરૂપ'તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો તેમ હવે “પરમાત્મ સ્વરૂપ” તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કરશે. જગતનું સર્વ જ્ઞાન અને વિજ્ઞાન પોતાને જાણવાથી જણાઈ જશે, એમ બતાવવા ખાતર આખા જગતના પોતે જ એક માત્ર સ્વામી છે એમ શ્રીકૃષ્ણ ગુરુદેવ બોલશે, અને તેનો અર્થ એટલો જ કે જડ-ચેતનનો ભેદ તો જીવ એકને જાણે એટલે આપોઆપ જણાઈ જ જાય છે, અને તે એક રૂપ આજે તો અર્જુન સામે શ્રીકૃષ્ણ જ હતા. એટલે ગીતાકાર એ જ પાત્રને પરમાત્મા તરીકે બતાવશે. એમને અર્જુનને યુદ્ધ તરફ પ્રેરી જવો છે, ભયંકરતા અને છેવટે પ્રેમ તરફ પ્રેરી જવો છે એટલે અદ્ભુત સ્વરૂપ પણ બતાવશે. અર્જુનને ઠેકાણે દુર્યોધન હોત તો યુદ્ધ નિવૃત્તિનો જ માર્ગ શ્રીકૃષ્ણજી બતાવત, કારણ કે એને પક્ષે આ યુદ્ધ અધર્યુ જ હતું. વળી એના કરતાં કોઈ જુદો સાધક હોત તો કંઈ ત્રીજું જ બતાવત, પણ એ ત્રણે જુદી જુદી ક્રિયાની દોરવણી પાછળ પણ સિદ્ધાંત તો એક જ છે. એટલે સાધક તો એ રીતે જ સમજે કે શ્રીકૃષ્ણરૂપ પોતામાં બેઠેલો અંતરાત્મા પોતાની દિવ્ય વિભૂતિ જિજ્ઞાસુ મનને બતાવે છે. અને મૂંઝવણ વખત પોતા માટે કયો માર્ગ લ્યાણ કરે છે, તે સુઝાડી દે છે. શું એ વાત ખરી નથી કે જેવી આંખ, તેવું જ સઘળું દેખાય? તો પછી એ વાતને આમ જ શા સારુ ન ઘટાવી શકાય કે અર્જુનને મન શ્રીકૃષ્ણ એક જ શ્રદ્ધય પાત્ર હોય તો એની આંખે એ પરમાત્મા જ છે ! સામેનું દશ્ય કેવું છે એ તો દ્રષ્ટા પર જ આધાર રાખે છે. અને જો દ્રાની આંખે દેખાતું દશ્ય પરમાત્મા” છે તો એ એને માટે પરમાત્મા જ છે. શ્રીકૃષ્ણ એક યોગી ચૈતન્યવંતી વ્યક્તિ છે પણ જગ ખોખું હોય તોય શું? અર્જુનની આંખે જે જોશે એને શ્રીકૃષ્ણ અંતરાત્મા, પરમાત્મા અને જગતનું સર્વસ્વ દેખાશે જ. અને એક શિષ્ય પણ પોતાના ગુરુ તરફ એ ભાવે જોશે તો એ ગુરુમાં પણ એને ઉપલું સર્વસ્વ દેખાશે જ, પછી ભલે ગુરુએ પોતે એ ભૂમિકા પ્રાપ્ત કરી હોય કે ન કરી હોય એ જુદી વાત છે. શ્રદ્ધાનો મહિમા એટલો બધો ગૌરવવાળો છે કે જે અનુભવે જ સમજાય. પણ શ્રીકૃષ્ણના શબ્દોનું અનુકરણ કોઈ ગુરુ કરે તે પહેલાં પોતાની ભૂમિકાનો સો વાર વિચાર કરે. પરંતુ કોઈ શિષ્ય અર્જુનના શિષ્યપદનું અનુકરણ કરે તો તેમાં કાંઈ વાંધો નથી, એટલું જ આપણે આ ઉપોદ્ધાતમાં કહેવા માગીએ છીએ. આટલું કહ્યા પછી આ અધ્યાયમાં વિદ્યાનું જે ચરમ અને ઉત્તમ રહસ્ય શ્રીકૃષ્ણ મુખે ઉમળકાપૂર્વક કહેવાયું છે, તે જોઈએ.