________________
૩૬૨
ગીતા દર્શન
પડદા ઉપર એનો વિસ્તાર, અપાર લીલા! બસ સૃજન અને પ્રલયનું પણ તેમ જ છે. એકવેળા તે અવ્યકત દેખાય છે, એ અવ્યકતમાંથી વ્યકત થતાં વાર લાગતી નથી. એટલું ખરું કે જીવ ન ભળ્યો હોય તો આમાંનું કશું થાય નહિ, પણ જીવરાજભાઈ માયાની મોહિનીના ગુલામ બની રહ્યા હોય ત્યાં લગી અટકે જ કેમ? માટે જ કહ્યું કે એ અવ્યકતથી પણ અવ્યકત એવા અક્ષરબ્રહ્મનું ધ્યાન જીવને લાગવું જોઈએ કે જે સનાતન ભાવ કદી નષ્ટ થતો નથી ! ભૂતભાવ નષ્ટ થાય છે. પરંતુ નાશવંતની પ્રીતિ છે, તેટલી અનાશવંત પ્રત્યે પ્રીતિ નથી. તેથી જ સંસારબ્રમણ થાય છે.
જે ત્રણ સ્વરૂપની વાત કરી તેમાંનું ત્રીજું સ્વરૂપ એવું છે કે એ બે સ્વરૂપ એમાં સમાઈ જાય છે, આથી જ એમ કહેવાય છે કે એને લીધે જ જગત ટકયું છે. વાત પણ ખરી છે. એકલું અસત્ય જ હોત, એકલું અંધારું જ હોત તો જગત કયારનુંય ભૂકો થઈ ગયું હોત, પરંતુ એમાં સત્યની હસ્તિ અને જ્ઞાનનો પ્રકાશ પણ છે જ, એટલે એ મિશ્રણમાંથી હંસની જેમ સત્ય, જ્ઞાન, અનંત બ્રહ્મને ઓળખી લેવું એ જ જીવનનું રહસ્ય છે.
અહીં કાળ ઉપર મહત્ત્વ આપનાર એક વર્ગ કહે છે કે અગ્નિ હોય, જ્યોત હોય, દિવસ હોય, શુકલ પક્ષ હેય અને ઉત્તરાયણના છ માસ પૈકીનો કોઈ માસ હોય તો તે કાળે મરણ પામેલા બ્રહ્મજ્ઞાતાઓ અવશ્ય અપુનર્જન્મ દશા પામે છે. આમાં પણ બ્રહ્મજ્ઞાનની સાધના તો જોઈએ, એલા કાળથી કશું વળે નહિ. જ્યારે એથી ઊલટું ધુમાડો હોય, રાત હોય, કૃણપક્ષ હોય અને દક્ષિણાયનના છ માસ પૈકીનો કોઈ એક માસ હોય તો તે કાળે મરણ પામેલા યોગીને ચંદ્રલોકમાં જઈને પણ પાછું ફરવું પડે છે. આનો અર્થ એ થયો કે માત્ર આત્મજ્ઞાનનો પ્રકાશ કોઈ વખતે થયો હોય પણ નિત્ય નિરંતર આત્મા જોડે જોડાયેલી સ્થિતિ ન હોય તો ઉપલા વખતે મરણ થાય તો જ મોક્ષ મળે, અન્યથા નહિ. જૈનસૂત્રોમાં આને પંડિતમરણ કહ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રના પાંચમા અધ્યયનમાં આનું બહુ સુંદર વર્ણન છે. પણ ત્યાં સમય ઉપર આટલો ભાર નથી અપાયો. કાળ એ કંઈ બહુ મહત્ત્વની વસ્તુ પણ નથી અને હોય તો તે કાળ બહારનો નહિ પણ અંતરનો. યોગીઓની જ એ અગ્નિજ્યોત. યોગીઓનો જ દહાડો. યોગીઓનો જ એ શુકલપક્ષ અને યોગીઓનું જ ઉત્તરાયણ. એ જ્યોત આત્માના પ્રકાશની, સૂર્યપ્રકાશની નહિ. આવી જ્યોત પણ અભ્યાસ હોય તો જ મૃત્યકાળે સહેજે પ્રગટે