________________
૩૫૪
ગીતા દર્શન
ભૂતસમુદાય બ્રહ્મદેવનો દિવસ હોય ત્યારે જાગે છે અને રાત્રે લય થાય છે. આ રીતે બ્રહ્મદેવની રાત્રિ એ પ્રલય કહેવાય છે. પ્રલયકાળે અગાઉ કહી ગયા તે સૃષ્ટિનું બીજ રહે છે, સૃષ્ટિ નથી રહેતી. એટલે કે દેહધારીમાં રહેલું વ્યકત તત્ત્વ નથી, પણ અવ્યકત તત્ત્વ તો છે જ,
એ તો એક પૌરાણિક રૂપકની વાત થઈ. એને આ રીતે ઘટાવવાથી પણ ચાલશે. રાત્રે જ્યારે મનુષ્ય ઊંઘમાં હોય ત્યારે તેનું તંત્ર અવ્યકત રીતે ચાલે છે, ઊઠે છે ત્યારે વ્યકતપર ચાલે છે. વૈદિક ગ્રંથોનો આવાંતર પ્રલય” તે આપણું નિદ્રાધીનપણું, અને “મહાપ્રલય' તે મૃત્યુકાળ, એમ સમજીએ તોય હરકત નથી. જૈનસૂત્રોમાં પણ પ્રકારતરે કાળની ગણના અને પ્રલયની વાત છે.
આ પછી બીજી વાત એ કે ઈચ્છા હોય કે ન હોય તો પણ પરાધીનપણે ભૂતોને ઊપજવું પડે છે. એનો અર્થ એ કે જીવ જ્યાં લગી મોહમગ્ન છે, અથવા જૈનસૂત્રની દષ્ટિથી કહીએ તો કર્મસંગી છે ત્યાં લગી ઈચ્છાએ કે અનિચ્છાએ કર્મપરિણામ ભોગવવાને કાજે એને જન્મમરણાદિ સંસારમાં યોજાવું જ પડે છે. પણ ભૂતોમાં જે અવ્યક્ત ભાવ છે, તે સંસાર મટાડી શક્તો નથી એટલે જ તે અવ્યકતથી પણ ઉત્કૃષ્ટ બીજો જે અવ્યક્તભાવ છે તે જ આરાધવા યોગ્ય છે. એને અક્ષર તરીકે પણ ઓળખાવાય છે અને પરંગતિ પણ એને જ કહેવાય છે. શ્રીકૃષ્ણજી કહે છે કે હું જે મારું પરમધામ કહું છું તે પણ એ જ છે.
સારાંશ કે પરંપુરુષ કહો, મોક્ષપદ કહો કે મારું પરંધામ કહો, એ બધું એક જ છે. માત્ર નામ ભેદ જ છે. જૈનસૂત્રો પણ એ જ કહે છે કે એ પરમ અવ્યાબાધક સુખવાળું પદ સિદ્ધિસ્થાન કહેવાય છે, સિદ્ધગતિ કહેવાય છે, મુકિત કહેવાય છે, પરિનિર્વાણ કહેવાય છે. મુકતાત્માઓનું અપુનરાવૃત્તિવાળું ધામ કહે છે તે જ પરમપદ પણ કહેવાય છે, એ શાશ્વત છે.
સંસારના બધા ભાવો અસ્થાયી છે, પણ એ સદૈવ સ્થાયી છે, ગીતાજીએ પણ એ જ કહ્યું કે ભૂતો નાશ પામવા છતાં એની પાછળ કાર્ય કરી રહેલો શાશ્વતભાવ-અક્ષરરૂપ પરમાત્મભાવ કદી નષ્ટ થતો નથી. એની અંદર સર્વ ભૂતો સમાય છે અને જે થકી આ બધું વિસ્તર્યું છે” એનો અર્થ એ કે સર્વ ભૂતોની શકિત એક બાજુ મૂકીએ અને માત્ર એ પરમાત્મભાવની શકિત એક બાજુ મૂકીએ, તો સોમાં જેમ નવાણું સમાઈ જાય તેમ સમાઈ જવાની વાત ખરી જ છે. પ્રથમની શકિતમાં સંખ્યાબળ ઘણું છે, પણ સાથે સંસાર સંબંધ હોઈને એની સૂક્ષ્મ