________________
૩૫૦
ગીતા દર્શન
મને પામીને (આવા અને ઉપર કહી ગયો તે કોટિના) મહાત્માઓ છેવટે એવી પરંસિદ્ધિને પ્રાપ્ત થાય છે કે પછી દુઃખના ઘરરૂપ અને અશાશ્વત (એટલે અનિત્ય) એવા પુનર્જન્મને (ફરી જન્મમરણરૂપ સંસાર ઘટમાળને) પામતા જ નથી.
નોંધ : આ વાત ઘણા સાધકોને મીઠી સાકર જેવી લાગશે. જો કશાય પ્રયત્ન વિના માત્ર પ્રભુ સ્મરણ માત્રથી આવું પુનર્જન્મ મટાડનારું શાશ્વત પદ મળી જતું હોય તો ત૫, સંયમ, ત્યાગ, બ્રહ્મચર્ય, અહિંસા, અપરિગ્રહ; ધ્યાન આદિ સાધનાની તરખડ શા માટે કરવી? પણ તેઓ એક અગત્યની વાત ભૂલી જાય છે. તે એ કે એવી સાધના પછી જ ચિત્તનું ઘડતર એવું થાય છે કે જે એક પ્રભુમાં જ લાગી રહે, નહિતર તો માંકડું મન અને બુદ્ધિના કુતર્કો, હૃદયની સુદ્ર લાગણીપ્રધાનતા અને ઇન્દ્રિયોનું વિષયસુખમાં રાચવું. આ બધું આવીને ઘડીઘડીમાં ડગુમગુ કરી દે. એટલે ચિત્તની ઉત્તમ અચલિત નિશ્ચલતા સાધવા સારુ જ સાધનાની જરૂર છે, અનિવાર્ય જરૂર છે. એ સાધનામાં જો અનાસક્તિ કે ચિત્તસ્થિરતા અથવા આત્મતલ્લીનતાનું ધ્યેય હશે તો એ તપ, ત્યાગ, સંયમ કે ભકિત આદિ સાધનોમાંથી રસ પણ મળશે અને વિકારો પણ ટળશે. તેથી પ્રયત્ન પણ અખંડ રહેશે. ભૂલો થશે પણ જાગૃતિ એવી હશે કે ભૂલોને ભૂંસીને બમણા ઉત્સાહથી આગળ વધાશે.
હવે આત્મા અથવા પ્રભુમાં જ એકાગ્રતા ન થાય અને કોઈ બીજા પદાર્થ, વ્યક્તિ, કિંવા દેવમાં એકાગ્રતા થતી હોય તો, તેવી સાધના શા સારુ ન કરવી, એ સવાલ થાય છે. જો કે પ્રથમ પ્રથમ આ સાધના અમુક હદે સાવ નકારવા જેવી નથી એ અગાઉ કહેવાઈ ગયું છે, પણ શ્રદ્ધાનું બળ વધ્યા પછી તો તે ધોરણ છોડી દેવા જેવું છે. કારણ કે પદાર્થ, વ્યકિત કે દેવની ઉપાસનાથી બહુ બહુ તો માત્ર લૌકિક લાભ થાય છે. તે વાત તો રૂપિયો આપીને બદલામાં કાણી કોડી લેવા જેવી છે. એ અગાઉ આપણે જાઈ ગયા છીએ. છતાં શ્રીકૃષ્ણગુરુ વળી કહે છે -
आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन । मामुपेत्य तु कौतेय पुनर्जन्म न विद्यते ॥ १६ ।। બ્રહ્મલોક લગી વિવે, છે પુનર્જન્મ અર્જુન; પણ નથી પુનર્જન્મ, કૌતેય ! હું મળ્યા પછી. ૧૬