________________
અધ્યાય અઢારમો
૬૩૩
આથી ધૃતરાષ્ટ્રને સંજયે પોતાનો અભિપ્રાય પણ લાક્ષણિક ઢબે કહી દીધો કે તમે તમારા પુત્રોનો વિજય ઈચ્છો છો, પરંતુ શ્રી, વિજય, ભૂતિ અને અચળ નીતિ પાંડવોને પક્ષે જ છે. એથી અહીં શ્રીકૃષ્ણ વાસુદેવ જેવા સમર્થ પુરુષ પ્રેરક છે અને અર્જુન જેવા બાણાવળી જોડાનાર છે. આ રીતે યોગેશ્વર' એ શ્રીકૃષ્ણનું વિશેષણ અને ધનુર્ધર એ પાર્થનું વિશેષણ સહેતુક છે.
સંજયે હરિના અતિ અદ્દભુત રૂપની તારીફ કરી છે તે ધૃતરાષ્ટ્રને આકર્ષવા માટે અગિયારમા અધ્યાયમાં વર્ણવેલા સ્વરૂપને અનુલક્ષીને કરી છે; નહિતર શાંત અથવા સૌમ્યરૂપ જ વિશેષણ સંજય ત્યાં વાપરત. જોકે સંજયને પોતાને એ કરતાં યોગેશ્વર” વિશેષણ ગમે છે, એટલે જ તે વિશેષણો એમણે અંતિમ મંગળમાં વાપર્યા છે. અને યોગેશ્વર કૃષ્ણ ધનુર્ધર પાર્થને ઉદ્દેશીને શ્રીમુખેથી કહેલા રહસ્યજ્ઞાનને સાંભળીને તે લિજ્જતમાં મગ્ન બની જાય છે.
આધ્યાત્મિક અર્થમાં લઈએ તો વિચારને (સંજય) જ્ઞાનપ્રકાશ એવો મળે કે જ્યારે ખુદ અંતરાત્માના (શ્રીકૃષ્ણના) મુખ આગળ એ પહોંચી જાય અને જિજ્ઞાસુ મન (અર્જુન) એ અંતરાત્માનું નિરંતર શિષ્ય બની એ યોગમાં તલ્લીન રહે તો ત્યાં શ્રી હોય એટલે કે સાધન પણ હોય. ત્યાં વિજય પણ હોય એટલે કે ગમે તેવાં સંકટો અથવા પ્રલોભનો આવે તોય હાર ન થાય. ત્યાં ભૂતિ એટલે કે વિભૂતિ પણ હોય એટલે કે શરીર, મન અને વાણીમાં દિવ્યતાનો ચમકાર પણ હોય અને ધ્રુવનીતિ પણ હોય જ.
અહીં નીતિને ધ્રુવ વિશેષણ ખાસ હેતુપૂર્વક લગાડવામાં આવ્યું છે. સામાજિક નીતિ, રાષ્ટ્રીય નીતિ, કૌટુબિંક નીતિ, આર્થિક નીતિ એમ નીતિનાં સમષ્ટિગત અને વ્યકિતગત અનેક સ્વરૂપો છે. પરંતુ જે નીતિ અધ્યાત્મલક્ષી ન હોય તે કાળે કાળે અને ક્ષેત્રે ક્ષેત્રે બદલાય છે. કારણ કે તે નીતિ બંધાવામાં બાહ્ય પરિસ્થિતિ મુખ્ય કારણરૂપ હોય છે, પરંતુ અધ્યાત્મલક્ષી નીતિ કદી બદલાતી નથી. જેમ પહેરણ વારંવાર બદલાવા છતાં શરીરમાં રહેલો આત્મા તો તેનો તે જ રહે છે. તેમ અધ્યાત્મલક્ષી નીતિ જ સાચી અને વિશ્વવ્યાપક નીતિ છે. તે નીતિના ગજથી જે અર્થ, ધર્મ અને કામની માપણી થાય તે અધર્મજનક નથી નીવડી ! ભારતવર્ષમાં પ્રથમ એ જ ધ્રુવનીતિનો ગજ હતો એટલે સર્વ પ્રકારે દેશ સંતોષી, સ્વાવલંબી, સત્પુરુષાર્થી, સ્નેહી, સુખી અને સમૃદ્ધ હતો. સંજયે કહ્યું તેમ એને ત્યાં શ્રી, વિજય અને ભૂતિ નિરંતર ગેલ કરતાં. ગીતાના ધ્રુવનીતિલક્ષી પાઠકો એવી ભાવના