________________
૬૧૪
ગીતા દર્શન
ગાથા એ જ વાતની સાખ પૂરે છે. અને હવે ગુરુદેવ પણ એ જ ભાખે છે.
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः । नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति ||४९।। નિઃસંગ બુદ્ધિ સર્વત્ર, સ્પૃહાત્યાગી જિતેન્દ્રિય;
સંન્યાસથી પર લાધે, નષ્કર્મરૂપ સિદ્ધિને. ૪૯ (માટે હે ધનંજય ! કર્મ બંધનથી છૂટવાનો આ એક જ માર્ગ છે ને તે તને અગાઉ કહેલો છે, છતાં તે જ અહીં ફરી એકવાર કહું છું :)
જે સૌ સ્થળે અનાસકત બુદ્ધિ રાખે છે, બાહ્ય આત્મા(બહિરાત્મા) ઉપર જેણે કાબુ મેળવ્યો છે અને જેની સ્પૃહાઓ ગળી ગઈ છે તે એવા પ્રકારના) સંન્યાસીથી પર નૈષ્કર્મરૂપ સિદ્ધિને પામે છે.
નોંધઃ અગાઉ ગુરુદેવે એમ કહેલું કે, "કેટલાક લોકો, કામ્ય કર્મને તજવાં એને સંન્યાસ કહે છે." ગુરુદેવનો પોતાનો આશય તો એ છે તાત્ત્વિક રીતે તો કર્મમાં કામ્યપણું છે જ નહિ, અને ભાસે છે તે પણ જીવની કર્મ પ્રત્યેની આસક્તિને લીધે જ; માટે મનને જીતી લેવું. બુદ્ધિને અનાસકત ભાવની તાલીમથી દઢ કરવી અને નવી સ્પૃહાને વશ ન થવું; એટલે એનું જ નામ સંન્યાસ. આવા સંન્યાસથી જરૂર નૈષ્ફર્મેપણું એટલે કર્મરહિત દશા પમાય છે. જૈનસૂત્ર શ્રીઆચારાંગ' પણ કહે છે કે મમત્વ બુદ્ધિને તજતાં મમત્વ સહેલાઈથી તજાય છે. પણ કોઈ એકલાં કર્મ છોડીને બેસી રહે, તેથી નૈષ્કર્મે સિદ્ધિ થતી નથી. ગીતાના શબ્દોમાં કહીએ તો "ઊલટો મિથ્યાચારનો મહાદોષ થાય છે.... કારણ કે મન તો વિષયોમાં ભમ્યા કરતું હોય, અને એમને ટેકો પણ મળતો હોય તો તે કાયાથી પણ પડે જ. અને ન પડે તોય વિષયત્યાગનો ખરો આનંદ તો એને મળે જ નહિ. એટલે વેશના સંન્યાસને ગુરુદેવ મહત્ત્વ આપતા નથી. બાકી એ માર્ગની સાધનાને એમણે વખાણી છે જ. છતાં તેઓ ખુલ્લા શબ્દોમાં કહે છે કે બળાત્કારે કે મૂઢાગ્રહે એવા સંન્યાસમાર્ગે પણ ન જવું, નહિ તો એ પવિત્ર માર્ગની પવિત્રતાને ઈજા પહોંચાડવાના નિમિત્તરૂપ આપણે બની જઈએ છીએ.
ગુરદેવની નૈષ્કર્મે સિદ્ધિ એટલે જૈનોની અકર્માદશા અથવા પથિકી ક્રિયાવાળી ઉચ્ચ ભૂમિકા, કે જે તીર્થકરો અને કેવળજ્ઞાનીઓને હોય છે. હવે ગુરુદેવ આગળ વધતાં કહે છે: