________________
ગીતા દર્શન
અધ્યાય આઠમો
ઉપોદઘાત શ્રીકૃષ્ણ મહાત્મા અર્જુનના મનને બધી બાજુથી વાળી લઈને એક પર કેન્દ્રિત કરવા માગતા હતા. શ્રીકૃષ્ણ પર અર્જુનને પૂરી શ્રદ્ધા હતી, એટલે એ રીતે અર્જુનના મનને પોતા પરત્વે કેન્દ્રિત કરવું એ એક જ સારો માર્ગ હતો.
આ માર્ગે જ અર્જુનને વાળવો સહેલો હતો. બીજે માર્ગે નહિ. પણ એ માર્ગે બે આપત્તિઓ હતી. (૧) અર્જુન નિષ્ક્રિય, જડ, વેવલો ભકત બની જાય તો? (૨) પોતાના સ્થૂળ દેહને જ પૂજતો બની જાય તો? આ બન્ને આપત્તિઓ નિવારવા માટે શ્રીકૃષ્ણજીએ પોતાના આ સ્થૂળ દેહની પાછળ જે પરમાત્મશક્તિ હતી તેનું ભાન કરાવવાનો પ્રયત્ન ગત અધ્યાયથી શરૂ કર્યો તે આપણે જોઈ ગયા છીએ. છતાં વિજ્ઞાન સહિત જ્ઞાનનું સંક્ષિપ્ત વર્ણન સાંભળ્યા પછી એને વિસ્તારપૂર્વક સાંભળવાની અર્જુનની ઇચ્છા થાય છે અને એથી એ સવાલ પૂછવો શરૂ કરે છે. ત્યાંથી આ અધ્યાયનો આરંભ થાય છે.
આ અધ્યાયમાં બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મ શું છે એની સમજ ઉપરાંત અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત રહેલું પ્રભુસ્વરૂપ કેવું છે, એની સમજ પણ આપવામાં આવે છે.
કઈ જાતની ચોક્કસ સાધનાથી મૃત્યુકાળ સુધરે એનું પણ ભાન કરાવવામાં આવે છે અને મૃત્યુ પછી જે બે સદ્ગતિઓ છે, તેમાંની કઈ સદ્ગતિનો માર્ગ પકડવો જોઈએ કે જેથી ફરી જન્મ-મરણ ન કરવાં પડે એવું મોક્ષધામ મળે, એની ઝાંખી કરાવવામાં આવે છે.