________________
૬૦૦
ગીતા દર્શન
તો આપે જ છે; પણ પ્રથમ રાગથી સુખ મેળવવાને ટેવાયેલાં બુદ્ધિ, મન, પ્રાણ. ઈન્દ્રિયોને વૈરાગ્ય અને આવી કઠોર કડક સાધના ગમે જ શાની ? એટલે શરૂઆતમાં તો એકડો ઘૂંટવા જનાર રમતિયાળ વિદ્યાર્થીને નિશાળ ઝેર જેવી લાગે અને રમત અમૃત જેવી લાગે, તેમ શરૂઆતમાં મનુષ્યને આ સાધના અને વૈરાગ્યરસ ઝેર જેવાં ભાસે છે. જો કે વસ્તુતઃ તે ઝેર જેવાં છે જ નહિ, માત્ર ઊંઘી દષ્ટિ હોય ત્યાં લગી જ તેમ ભાસે છે. એટલે જેમજેમ તેમાં સાધક ઊંડો ઊતરતો જાય છે, તેમ તેમ તે રસમાં તરબોળ બને છે. એટલે પરિણામે તો અમૃતતુલ્ય જ બને છે, અને તે પણ અમૃત જેવું જ. પણ પ્રકૃતિની અભિમુખ રહેલી બુદ્ધિ જ્યાં લગી આત્માભિમુખ ન બને ત્યાં લગી આ સુખ ન મળે, એટલે આત્મામાં બુદ્ધિને પરોવવાના પ્રયત્ન ખાતર જ સાધનાની જરૂરિયાત રહે છે. આત્મામાં બુદ્ધિ પરોવાય એટલે યોગનિરુદ્ધ ચિત્ત થયું જ, મન પ્રશાંત થયું જ, પ્રાણ અને ઈન્દ્રિયો સાત્ત્વિક રસમાં મગ્ન થયાં જ.
આમ સાત્ત્વિક સુખમાં લીન થયેલો સાધક દુઃખનો અંત પામે તેમાં નવાઈ શી છે? પરંતુ રાજસી અને તામસી સુખની દિશા તો સાત્ત્વિક સુખ કરતાં ઊલટી જ છે. તે વિષે શ્રીકૃષ્ણગુરુ કહે છે:
विषयेन्द्रियसंयोगाद् यत्तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ||३८।। यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः । निद्राऽलस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतम् ||३९।। વિષયેન્દ્રિય સંયોગે, પે'લાં લાગે સુધા સમું; અંતે તો ઝેર જેવું છે, તે સુખ રાજસી કહ્યું. ૩૮ પ્રારંભે ને પરિણામે, આત્માને મુગ્ધ જે કરે;
પ્રમાદ, જાય, નિદ્રાથી, જન્મે તે સુખ તામસી. ૩૯ (અને પાર્થ !) વિષય તથા ઈન્દ્રિયોના સંયોગે કરીને (જેનો જન્મ થાય છે તે) શરૂઆતમાં અમૃત જેવું લાગે છે, પરંતુ) પરિણામે વિષ જેવું (બને છે) તે સુખ રાજસી તરીકે પ્રસિદ્ધ થયેલું છે. (અર્થાત્ આ સુખનો માનવીને તાજો અનુભવ જ છે. એટલે એ વિશે વિશેષ કહેવાની જરૂર નથી.)