________________
૫૯૬
ગીતા દર્શન
(હે પાર્થ ! પદાર્થોનો નિર્ણય કરવા સારુ જ બુદ્ધિનો ઉપયોગ કરવો ઘટે છે. એટલે પ્રવૃત્તિ કયાં યોગ્ય છે, નિવૃત્તિ કયાં યોગ્ય છે, કાર્ય કર્યું, અકાર્ય કર્યું, ભય કયે સ્થળે છે, અભય કઈ વસ્તુ છે, બંધ કયાં થાય છે, મોક્ષ કઈ રીતે થાય, આ બધો વિવેક હોવો જોઈએ. આવી સત્યાસત્યનો વિવેક કરનારી વિવેકબુદ્ધિથી જ ખરું આત્મકલ્યાણ થાય છે. માટે જ કહું છું –). - પાર્થ ! પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય-અનાર્ય, ભય-અભય અને બંધમોક્ષ(ના જોડલાંમાં ક્યાં કયું યોગ્ય છે તે યથાર્થ) જે જાણે છે, તે સાત્ત્વિક બુદ્ધિ છે. પાર્થ! ધર્મ-અધર્મ અને કાર્ય-અનાર્યની જે બરાબર ઓળખાણ(યથાર્થ ઓળખાણ) ન કરી શકે તે રાજસી બુદ્ધિ છે.
અને હે (પૃથાપુત્ર) પાર્થ! જે બુદ્ધિ તમોગુણથી ઘેરાયેલી હોઈને અધર્મને ધર્મ માને છે અને સર્વ વસ્તુમાં જે અવળી જ સમજણ ધરાવે છે, તે તામસી બુદ્ધિ છે.
નોંધ : અહીં શ્રીકૃષ્ણગુરુએ 'પાર્થ' વિશેષણ વાપર્યું છે, તે પણ પૃથ્વી માતા સૂચવીને બુદ્ધિનો સંબંધ પાર્થિવ છે એ સિદ્ધ કરે છે. વળી શ્રીકૃષ્ણગુરુએ સાત્ત્વિક બુદ્ધિના વિષયોમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ, કાર્ય-અનાર્ય, ભય-અભય અને બંધ-મોક્ષ, એમ ચાર જોડકાં લીધાં, કારણ કે તે બુદ્ધિ ઉચ્ચકોટિની હોઈ તેમાં વધુ વ્યાપક્તા છે. સાત્ત્વિક બુદ્ધિ ધરાવનારનું ક્ષેત્ર માત્ર પોતા પૂરતું નથી, પણ આખું જગત તેને કુટુંબરૂપ હોઈને એને પળેપળે સર્વ વિચારો કરવાના હોય છે. જેમ 'શ્રીઉત્તરાધ્યયનસૂત્ર'ના વીસમા અધ્યયનમાં અનાથી મુનિએ કહેલું છે તેમ જે પોતે અભય ન પામે, તે બીજાને અભય ન આપી શકે. વિશ્વપ્રેમી શુદ્ધ અહિંસક જ પોતે અભય હોય અને બીજાને અભય આપી શકે. એટલે આવી કસોટી કરવાનું તેને ડગલે ને પગલે આવે. એ જ રીતે કર્યું કર્મ પ્રતિબંધક થશે અને કયું નહિ થાય, તે પણ મુખ્યત્વે એને વિચારવાનું હોય. એટલે, એટલી સાત્વિક બુદ્ધિની વિશેષતા છે, અને તે યથાર્થ નિર્ણય જ કરાવી આપે છે.
રાજસી બુદ્ધિવાળો ધર્મ અને કર્તવ્યને માર્ગે જવા ઈચ્છે છે, પણ રાજસી બુદ્ધિ એને ગૂંચવણમાં નાખી દે છે. કેટલીક વાર ખોટી રીતે પણ નિશ્ચય કરાવી દે, અને કેટલીકવાર સાચી રીતે પણ નિશ્ચય કરાવી દે, એનો કશો નકકી ઢંગધડે નહિ. મતલબ કે બરાબર ઓળખાણ ન કરાવી શકે. માટે રાજસી બુદ્ધિનો ભરોસો ન રખાય.