________________
૫૮૦
ગીતા દર્શન
બેડી જ છે. તે વિષે અગાઉ કહેવાયું છે. અત્યાગી મનુષ્ય એટલે કે જેમાં સાત્વિક ત્યાગનો અભાવ છે તેને જ પાપ અને પુણ્ય બંધનકર નીવડે છે. કારણ કે તે મોહ અથવા રાગના સૂક્ષ્મ બંધનમાં છે. જે મોહના બંધનમાં છે તેને પાપની બેડી, અને રાગના બંધનમાં છે તેને કંઈક શુભનો સંયોગ શક્ય હોવાથી પુણ્યની એકલી અગર પુણ્ય-પાપની મિશ્ર બેડીમાં જકડાવું પડે છે. દા.ત., કોઈ કરજદાર દેવું ચૂકવવાનું પડતું મૂકી મોહવશ ત્યાગ કરે તો તે ત્યાગ તામસી કહેવાય. કાયાને સ્વેચ્છાએ કસવી તે તો તપ છે, તેને બદલે જે સુખશીલિયાપણાથી જાળવીને ત્યાગમાં રાચે તે રાજસી ત્યાગ ગણાય. એટલે જેણે સાત્ત્વિક ત્યાગ કર્યો નથી તેને પુણ્યપાપની જંજીરો માત્ર આ ભવમાં નડે છે. એટલું જ નહિ, બલકે મર્યા પછી પણ પરભવમાં નડે છે. એમને શુભાશુભ કર્મ કયાંય છોડતું નથી. જ્યારે સાત્ત્વિક ત્યાગીને તો આ ભવે પણ તે પીડતું નથી, તો પરભવમાં તો શાને જ પીડે ? સમભાવ પૂર્વકર્મોને વેદીને તે મોક્ષગતિ પામી જ જાય છે.
આ પરથી ગુરુદેવે તામસી ત્યાગ અને રાજસી ત્યાગનો ઘણી સ્પષ્ટતા કરીને અસ્વીકાર કર્યો અને સાત્ત્વિક ત્યાગનું મહત્ત્વ બતાવ્યું. સંન્યાસનો સાચો હેતુ સાત્ત્વિક ત્યાગથી જ સરી શકે છે, અને ત્યાગી તો સાત્ત્વિક ત્યાગી છે જ.
શ્રીકૃષ્ણચંદ્રને મન યજ્ઞ, દાન અને તપ કરતાં ત્યાગ સર્વોપરિ છે. અને ખરે જ સાત્ત્વિક ત્યાગની ભૂમિકા સર્વોપરિ છે. એટલે સત્તરમા અધ્યાયમાં યજ્ઞ, દાન, તપના ભેદો કહ્યા પણ ત્યાગના બાકી જ રાખ્યા. કારણ કે સાત્ત્વિક ત્યાગ મોક્ષદાતા છે. 'તત્”-રૂપી બ્રહ્મના નિર્દેશમાં ફલાકાંક્ષા છોડવાનું સૂચિત થાય છે. તે દષ્ટિ રાખી નિયત કર્મો કરવાં તે જ સાત્ત્વિક ત્યાગ. ત્યારે હવે સવાલ એ થયો કે નિયત કર્મ ક્યાં? તેમને કેવી રીતે ઓળખવા? અને કર્મફળની લાલસા તેમ જ કર્તુત્વનું અભિમાન શી રીતે તજવું? જો આટલું સમજાય તો કર્તવ્ય ધારીને કર્મ કરવામાં બાધ જ ન આવે, અને કરેલાં કર્મોનું ફળ ભોગવા સારુ જ જન્મમરણ પણ ન કરવાં પડે. આનો જવાબ કાર્ય, કારણ, કર્તૃત્વમાં પ્રકૃતિ જ હેતુભૂત છે, પુરુષ નહિ, મુખ્યત્વે ગુણોને લીધે જ ક્રિયા સંભવે છે, તો આત્માએ શા માટે અભિમાન રાખવું?" આવી અનેક રીતે તો અગાઉ અપાઈ ગયો જ છે. પરંતુ અહીં વળી બીજી રીતે ગુરુદેવ જવાબ આપે છે : આધ્યાત્મિક જ્ઞાન તો ઘઉની કણક છે. એમાંથી જે બનાવો તે બને. માત્ર સાવધાની અને કળા બે જોઈએ ! ગીતાના શબ્દોમાં કહીએ તો સમત્વ અને કમકૌશલ બે જોઈએ.