________________
અઘ્યાય અઢારમો
કર્મને દુઃખ માની જે, દેહકષ્ટભયે તજે; તે કરી રાજસી ત્યાગ, ન પામે ત્યાગનું ફળ. ૮ નિયત કર્મ જે થાય, કર્તવ્ય માની અર્જુન ! સંગર ત્યાગી, ફળ કહ્યો તે ત્યાગ સાત્ત્વિક. ૯
૫૭૭
(પ્યારા અર્જુન ! સંન્યાસ અને ત્યાગ એ બન્નેમાં વસ્તુતાએ ભેદ નથી, પરંતુ સમભાવપૂર્વક વિવેકદૃષ્ટિથી કર્મોનો ખ્યાલ રાખી તજવા યોગ્ય તજી દેવાં, આદરવાજોગ આદરવાં અને જાણવાજોગ જાણવાં એ અર્થમાં સંન્યાસ શબ્દ વપરાય છે. અને ત્યાગ શબ્દ પણ બાહ્ય અને અંતરંગ બન્ને પ્રકારના સંયમના અર્થમાં વપરાય છે. હવે જ્યાં અંતરંગ અને બહિરંગ સંયમ હોય ત્યાં સમભાવ અને કાર્યાકાર્યનો વિવેક હોય જ છે, એટલે છેવટે તો તે બન્ને એક જ છે. છતાં હું સંન્યાસને ઠેકાણે ત્યાગ એટલા સારુ અહીં વાપરું છું કે ત્યાગ શબ્દથી વ્યાપક અર્થ ઘટી શકે. એ ત્યાગ મેં અગાઉ કહ્યો તેમ ત્રણ પ્રકારનો છે અને તે આ પ્રમાણે છે :) નિયત કર્મનો સંન્યાસ ઘટી જ શકતો નથી, છતાં મોહથી (કોઈ) તે (નિયત કર્મ)નો પરિત્યાગ (કરે તો તે પરિત્યાગ) તામસી જ કહેવાયો છે.
કેટલાક લોકો (કોણ નકામી કર્મની જંજાળ કરે ? એના કરતાં ઘરબાર છોડી સાધુ જ થઈ જઈએ એમ) કર્મને જ દુઃખ માનીને કાયકલેશના ભયે કરીને તજી દે છે. તેઓ (આવા પ્રકારનો) રાજસી ત્યાગ કરીને ત્યાગનું (ખરું) ફળ મેળવી શકતા નથી. (ત્યાગનું ખરું ફળ જે અતિપ્રિય સુખ છે, તે આવા રાજસી ત્યાગીને મળતું નથી, કારણ કે ગૃહસ્થાશ્રમને તજવા છતાં સંન્યાસાશ્રમમાં પણ તે ગૃહસ્થાશ્રમમાં જ્યારે હતો, ત્યારે જે મમતામૂર્છા હતી તે જ રાખીને બેસે છે, એટલે કે ધનને બદલે પુસ્તકપાનાં કે ભંડારા ઉપરની માલિકી. ઘરને બદલે મઠનું મમત્વ અને સ્ત્રી-પુત્ર-કુટુંબપરિવારને બદલે શિષ્યશિષ્યાના પરિવારની મૂર્છા રાખે છે, આવો ત્યાગ એકડા વિનાના મીંડા જેવો જ છે, અને તેથી આજીવિકા મેળવવા ગૃહસ્થાશ્રમમાં કાયાનું કષ્ટ પડત, અને સંન્યાસાશ્રમમાં તે કાયાકષ્ટ નથી પડતું તેમ ધારીને જ જાણે કાં ન ત્યાગ કર્યો હોય તેમ લાગે છે.)
પણ (હે ઊજળા) અર્જુન ! કર્તવ્ય સમજીને જ જે નિયત કર્મ સંગ (આસિત) તજીને તથા ફળ (ફળષ્ટિ) તજીને કરાય છે, તે સાત્ત્વિક ત્યાગ મનાયો છે.
૧. નિયત-સ્વભાવ જ, સહજ, સ્વભાવનિયત-સ્વ એ બધા શબ્દો ગીતાજીમાં કર્મ અને ધર્મને જોડેલા વારંવાર આવે છે. તેનો વ્યાપક અર્થ એટલો જ કે પોતાની ભૂમિકાને લગતાં અનિવાર્ય કર્મધર્મ સમજવાં. જૈનદષ્ટિએ નિકાચિત કર્મ ગણાય.
૨. કર્તૃત્વના અભિમાનને અગર આસકિતને સંગ કહેવાય છે.