________________
૫૭૪
ગીતા દર્શન
કામ્ય કર્મો તણો ન્યાસ એ સંન્યાસ ગણે કવિ;
સૌ કર્મોનો ફળ-ત્યાગ કહે ત્યાગ વિચક્ષણો. ૨
કામ્ય કર્મોનો ન્યાસ કરવો (એટલે કે કામનાથી ઊપજેલાં કર્મોને તજવાં) એને કવિઓ સંન્યાસ તરીકે જાણે છે. બધાં કર્મોના ફળત્યાગને વિચક્ષણ લોકો ત્યાગ કહે
છે.
નોંધ : કેટલાક ટીકાકારો અહીં કામ્ય કર્મને મીમાંસકવિભાગ માંહેલા કામ્ય કર્મ તરીકે લે છે. એટલે કે કામ્ય કર્મો તજવાં, પણ નિત્ય-નૈમિત્તિક કર્મ ન તજવાં, એવો અર્થ બેસાડે છે. અતિથિ આવે ત્યારે સ્વાગત કરવું આદિ નૈમિત્તિક કર્મ છે, અને પ્રાર્થના આદિ નિત્ય કરવાનાં કર્મો નિત્ય કર્મ છે. આ નિત્યનૈમિત્તિક કર્મ ન તજવાં.
કામનાના બળથી થતાં મહારંભનાં કર્મો તે કામ્ય કર્મ છે, તે તજવાં. પરંતુ શ્રીકૃષ્ણગુરુદેવ તો 'કવિઓ આમ જાણે છે' કહીને તટસ્થ રહ્યા છે, એટલે આપણે એ વિષે અધિક ચર્ચામાં પડવું અપ્રાસંગિક છે.
"કર્મ ક૨વાં, પણ સૌ કર્મોના ફળનો ત્યાગ કરવો, એમ વિચક્ષણો કહે છે,” એમ ભાખીને ગીતાકાર અહીં પણ તટસ્થ રહે છે અને આગળ વધતાં કહે છે : त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः । यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे ||३|| તજવાં દોષિલાં કર્મ, કહે કોઈ મનીષિઓ; યજ્ઞ, દાન, તપોને તો, ન તજવાં કહે બીજા. ૩
(હે ભારત !) કોઈ મનીષિઓ કર્મમાત્ર દોષયુક્ત છે માટે તજવાં એમ કહે છે, અને બીજા વળી કોઈ એમ કહે છે કે યજ્ઞ, દાન, તપ, આદિ કર્મો તો ન તજવાં.
નોંધ : કવિ, વિચક્ષણ, મનીષિ (બુદ્ધિમાન) અને બીજા લોકોનાં મંતવ્યો કહી દીધાં. આ મતોમાં આપણે શ્રૌત અને સ્માર્ત સંપ્રદાયો તથા એકાંતે સંન્યાસમાં માનનારા મતો પણ જોઈ ગયા. સંન્યાસમતના લોકો કર્મમાત્રને સદોષ જ માને છે, અને તેઓ કર્મને છોડી પ્રવજ્યા લે છે. શ્રૌત સંપ્રદાયવાળા તો નિત્યનૈમિત્તિક કર્મ કરવાં જ જોઈએ એવો આગ્રહ રાખે છે. સ્માર્ત સંપ્રદાયવાળા તો બીજાં કર્મ ભલે તજાય, પરંતુ યજ્ઞ, દાન તપ કે જે ધર્મક્રિયારૂપ છે, તેને તજવાની તો સાફ ના પડે છે.