________________
અધ્યાય સાતમો
૩૩૫
અધિભૂત અધિદેવ, ને અધિયશવંત હું;
જે જાણે મૃત્યુ ટાણેય, તે યોગી જાણતા મને. ૩૦ જરા અને મૃત્યુથી છૂટવા માટે મને આલંબીને (મારા તરફ આત્મા તરફ દષ્ટિ રાખીને) જેઓ યત્ન કરે છે, તેઓ તે પૂર્ણબ્રહ્મને જાણે છે, અધ્યાત્મને જાણે છે અને સમસ્ત કર્મને પણ જાણે છે.
(અને તે ભારત !) અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞવંત પણ હું જ છું, એવું જે જાણે છે તે યુક્તચિત્તવાળા યોગીઓ મરતીવેળા પણ મને જાણે જ છે.
નોંધ : જરા-મરણથી છૂટવા માટે જેઓ પ્રયત્ન કરવા ઈચ્છે, એમણે આત્માને અનુલક્ષીને જ પ્રયત્ન કરવો જોઈએ. આનું નામ તે જૈન સૂત્રોનું ચારિત્ર. સત્ય જ્ઞાન થયા પછી જ આવું ચારિત્ર હોઈ શકે! અને એને પરિણામે પૂર્ણ બ્રહ્મજ્ઞાન થાય તે દેખીતું જ છે.
બ્રહ્મજ્ઞાન એટલે જૈન પરિભાષા પ્રમાણે સંપૂર્ણ આત્મજ્ઞાન. આનું જ બીજું નામ તે કેવળજ્ઞાન. આત્માનું સંપૂર્ણ જ્ઞાન થયું એટલે પ્રાણીમાત્રમાં સત્તા ધરાવતા ચૈતન્યનું જ્ઞાન પણ થયું જ સમજવું અને સંપૂર્ણ કર્મનું જ્ઞાન એટલે કે સૃષ્ટિવ્યાપારનું રહસ્ય જ્ઞાન પણ એને થાય જ એ કલ્પનાથી પણ સમજી શકાય તેવું છે.
અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણવો એનો અર્થ એ કે ભૂત, દૈવ અને યજ્ઞનું પણ સર્વોપરી તત્ત્વ તો આત્મા જ છે, તે જાણવું. જેણે આત્મા જાણ્યો એણે સર્વ જાર, તે વાત યથાર્થ છે.
સર્વભૂતનો સ્વામી તે, દૈવત માત્રનો પ્રભુ પણ તે. અને સર્વ યજ્ઞોનો અધિષ્ઠાતા પણ તે જ છે. પછી બીજી કઈ વસ્તુ બાકી રહી?
જે યોગીઓ આવું જાણી ગયા તે યોગીઓ મરણ સમયે પણ આટલું સમજે, એટલે અંતકાળે પણ એમને કશો કલેશ ન થાય.
હવે અહીં અર્જુનને એ જાણવાની ઈચ્છા થાય છે કે બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ વગેરેનું સ્વરૂપ શું છે? આનો ઉત્તર આઠમા અધ્યાયમાં શ્રીકૃષણામુખે જ કહેવાશે, અને મૃત્યુ પછી કયા યોગીની કેવી સ્થિતિ થાય, એ પણ આઠમા અધ્યાયમાં આવશે. એટલે આપણે અહીં વધુ વિસ્તાર ન કરતાં સાતમા અધ્યાયનો ઉપસંહાર કરી લઈએ.