________________
અધ્યાય અઢારમો
પ૭૧
આત્મા-કે જે આ ક્ષેત્રમાં બેઠો છે. આવું જ્ઞાન તે જ સાચું જ્ઞાન. આવા જ્ઞાન માટે પ્રકૃતિના ત્રણ ગુણો પૈકી સાત્ત્વિકને અવલંબી છેવટે તો ત્રિગુણાતીત જ થવું જોઈએ, અને પુરુષોત્તમ દશાને પ્રાપ્ત કરવી જોઈએ. તે દશા અવ્યકતથી પણ પર છે. સંસારરૂપી વૃક્ષને વૈરાગ્યકુઠારથી છેદીને દઢ સંકલ્પથી જ તે દશા પામી શકાય છે. પણ એવે વખતે દૈવી સંપત્તિ જોઈએ. તે તને મળી જ છે, માટે શોક કરવા જેવું નથી. પણ તારે ગુરુશરણ અગર શાસ્ત્રશરણ સ્વીકારવું જોઈએ." ત્યારે અર્જુને પૂછયું: "માત્ર શ્રદ્ધાથી ન ચાલે?” શ્રીકૃષ્ણગુરુએ કહયું : "શ્રદ્ધા એ અલબત્ત અજોડ વસ્તુ છે, પણ શાસ્ત્રાધાર કે ગુરુના આધાર લીધા વિના કરેલા કામમાં સાત્ત્વિક શ્રદ્ધાનો અસંભવ છે, અને સાત્ત્વિક શ્રદ્ધા વિના પ્રગતિ અશકય છે. માટે હું એ પરત્વે ભાર આપું છું. પરંતુ શાસ્ત્રાધાર કે ગુરુનો આધાર એટલે કોઈ પુસ્તક કે વ્યકિત જ માત્ર નહિ. ૐ તત્ સતુ” એમ બ્રહ્મનો ત્રિવિધ ઉલ્લેખ છે. તે પૈકીનો કોઈપણ આધાર પોતાની ભૂમિકા તપાસીને જે યોગ્ય હોય તે લે તોય ચાલે. મતલબ કે શુદ્ધ સંકલ્પ કરવા અર્થે કે સંકલ્પ-બળ દઢ કરવા અર્થે એવા અવલંબનની જરૂર છે કે જેથી હૃદય નમ્ર અને શુદ્ધ રહે અને વિકાસના નામને બહાને અહંકાર કે કામરાગવાળી પ્રવૃત્તિમાં ન પડી જવાય. જો કે સીધો અવ્યકતના ધ્યાનનો માર્ગ પણ છે જ, છતાં કંઈક અવલંબન લઈને આગળ વધવું એ સહુને જેટલું સુલભ છે, તેટલું સુલભ તે નથી; અને ફળ બને માર્ગનું એક જ છે. માટે મેં આ રાજમાર્ગ તને સૂચવ્યો છે.”
યુદ્ધમાં ભાગ ન લેવાની હઠમાં પોતાનો મોહ હતો, તેમાં દયા ન હતી પણ માયા હતી, વૈરાગ્ય ન હતો પણ રાગ હતો, એટલું તો ક્યારનુંય અર્જુનને લાગી ગયું હતું. વળી આટલું પીયૂષ પીધા પછી હવે તો એ પણ ચોખે ચોખ્ખું લાગ્યું કે કર્મના ભયંકરપણા-અભયંકરપણાનો આધાર કર્મના માત્ર સ્થૂળ કલેવર પર જ નથી ,પણ કર્મ કરનારના અંતરંગ ભાવ પર જ મુખ્યત્વે છે. પરંતુ એમ છતાં કેટલાક ડાહ્યા માણસો પણ એમ કહે છે : "કર્મની પાછળ કોઈ ને કોઈ પ્રકારનો સૂક્ષ્મ કામનાનો કીડો રહેલ હોય છે, નહિ તો જ્ઞાની થયા પછી કર્મની શી જરૂર? મતલબ કે કર્મત્યાગ જ કલ્યાણકર છે. આત્માનું સ્વરૂપ પણ અક્રિય જ છે.” જોકે આ સંબંધમાં મારા ગુરુજીએ સામાન્ય રીતે ખુલાસો કર્યો જ છે કે જ્ઞાનીએ પણ નિયત કર્મ કરવાં પડે છે. આહાર, વિહાર અને નિહારની ક્રિયા એ પણ કર્મ જ છે. અને તે જ્યાં લગી દેહ છે ત્યાં લગી અનિવાર્ય જ છે. આ વાત યુકિતથી તો ગળે ઊતરે છે. પરંતુ કર્મ પછવાડે કંઈ કંઈ પ્રેરણા તો રહેલી જ છે. તો એ પ્રેરણામાં