________________
કર
ગીતા દર્શન
યોગીઓનાં મૃત્યુ લગભગ એવા કાળમાં થાય છે કે જેથી એ અપુનરાવૃત્તિરૂપ મોક્ષ ગતિ પામે છે.
કેટલાક યોગીઓ ઉપલું રહસ્ય ન જાણતા થકા કોઈ લોભ લાલચથી આત્મભ્રષ્ટ થઈ જાય છે; તો તે પુનરાવૃત્તિ પામે છે. આમ ઊજળી અને કાળી આવી બે ગતિઓ છે, તે પણ તારે ખ્યાલમાં રાખવી. સ્વર્ગદાયક શ્રુતિ, યંત્ર, મંત્ર, તાંત્રિક વિદ્યા, જ્યોતિષ વિદ્યા એ બધું આધ્યાત્મજ્ઞાનીને ચરણે ઢળે છે. છતાં એમની એને જરૂર નથી. તે આ ભાવમાં મેં કહ્યું છે. ભલા ! ચોમેર મીઠાં અમૃતજળ ભર્યા હોય ત્યાં-ખાબોચિયામાં પેસવાની કોણ પેરવી કરે ?
આધ્યાત્મ એ જ સ્વભાવ, કર્મબંધનને લીધે જ સંસાર, બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા, આને અક્ષર અથવા ક્ષેત્રી કે ક્ષેત્રજ્ઞ પણ કહેવાય. કોઈ એને શેય, જ્ઞાતા કે પરિજ્ઞાતા પણ કહે છે. પરંજ્ઞાન એ પણ એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. મારા અને તારા સૌના હૃદયમાં રહેલો ઈશ્વર પણ એ જ છે. એ જ ભૂતોને ફજેતફાળકામાં આસકિતને લીધે ભમાવ્યા કરે છે. એ કૂટસ્થ છે, સ્થિર છે, અચલ છે, અનાદિ છે, અનંત છે. સનાતન છે, શાશ્વત છે, અવ્યકત છે, અગોચર છે, જ્ઞાનશેય અને જ્ઞાનગમ્ય છે. જીવ એ એનું માયા-સંગી સ્વરૂપ છે.
"એવા માયાસંગી જીવનું અધિષ્ઠાન તે આ શરીર. એને સવિકાર ક્ષેત્ર પણ કહેવાય. એ એમાં રહ્યો રહ્યો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મનના આધારે વિષય ભોગ સેવે છે. આ સવિકારશરીરમાં કર્તાનું અભિમાન જીવ રાખે છે, એટલે પદાર્થ કે વ્યકિતમાં કામાતુર અને ક્રોધાતુર બની રાગદ્વેષવશાત્ સુખદુઃખથી હર્ષ શોક પામ્યાં કરે છે.”
સવિકાર ક્ષેત્રમાં પાંચ મહાભૂતો, અવ્યક્ત(અહીં હું અવ્યક્ત શબ્દ કહું છું, તે મૌલિક પ્રકૃતિના અર્થમાં કહું છું; ક્ષેત્રજ્ઞના અર્થમાં નહિ.)અહંકાર, બુદ્ધિરૂપી અપરા પ્રકૃતિનાં તત્ત્વો કામ કરી રહ્યાં છે. એમાંથી જ વિસ્તારે બીજી પાંચ કર્મેન્દ્રિયો તથા મન અને પાંચ વિષયો મળીને કુલ્લે ચોવીસ તત્ત્વો તથા પરાપ્રકૃતિનાં ઈચ્છા, વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૃતિ મળી કુલ્લે એકત્રીસ તત્ત્વો થાય છે. એમાં જે ક્ષેત્રજ્ઞ વસે છે, તે વિષે તો હું અગાઉ કહી જ ગયો છું. એમાં એ ક્ષેત્રી વસતો હોઈને તે સાક્ષી છે, અનુમતિ દાતા છે, પ્રભવકર્તા છે, શાસનકર્તા છે. આમ મોઢામાં, પગમાં, હાથમાં, માથામાં એનો પ્રકાશ વ્યાપ્ત છે.