________________
૬૫૪
ગીતા દર્શન
સમાજનું અંગ છે. ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ તત્ત્વો સાથે પણ એનું લેણદેણ છે, એટલે વિકાસનો હેતુ લક્ષ્યમાં રાખી માણસે પરહિતનાં કાર્યો કરવાં જ જોઈએ. જ્ઞાનીજનોનો વિશ્વમાં કશો સ્વાર્થ ન હોવા છતાં ઘડિયાળના કાંટાની જેમ કાર્ય કરે છે, અને એમાં જ એને આનંદ આવે છે, મારો દાખલો તારી સામે જ છે.
"તંદ્રા રહિત થૈ જો હું, કદી વર્ત ન કર્મમાં, તો જનો પાર્થ આ રીતે, મારે માર્ગ અનુસરે. ને નષ્ટ થાય આ લોકો, જો હું કર્મ કરું નહિ.
સંકરનો બનું કર્તાને રખે આ પ્રજા હશું.” એટલે સંન્યાસથી જ મોક્ષ છે, એમ તું એકાંતે ન માની લે. સાચા સંન્યાસીઓ કર્મયોગને કદી છેક વિસારતા નથી તેઓ સમજે છે કે
જે જે આચરતા મોટા, તે તે જ અન્ય આચરે;
પ્રમાણ જે કરે મોટા, લોકો એને અનુસરે. (૩-૨૭) એટલે સંન્યાસીના જીવનમાં જો કર્મયોગ સ્થળદષ્ટિએ ન દેખાતો હોય તોય સૂક્ષ્મદષ્ટિએ તો છે જ અને કર્મયોગીમાં જ્ઞાનયોગ સ્થૂળ દષ્ટિએ ન દેખાતો હોય તોય સૂક્ષ્મ દષ્ટિએ તો છે જ, એટલે જ બંનેનું ધ્યેય એક છે, એમાં ઝઘડો કયો મૂરખ
કરે ?
"કેટલાક લોકો કર્મનો જ દોષ કાઢી, તારી જેમ છટકવા મથે છે; પરંતુ એ પ્રયત્ન વૃથા નીવડે છે. ક્ષણવાર પણ કોઈ કર્મ વિના રહી શકતું નથી. પછી જ્ઞાની હો કે અજ્ઞાની હો ! કર્મને સર્પ માની ડરીને ભાગવું તે કરતાં કોઈ કર્મ સર્પ જેવું ભયંકર હોય, તોય કળાપૂર્વક એ સર્પની દાઢમાંથી ઝેર કાઢી લેવું તે જ ઉચિતમાર્ગ છે, ચડિયાતો માર્ગ છે. મતલબ કે કર્મને ન તજવાં પણ આસકિતને તજવી. જનકવિદેહીનું જીવન, એનું પ્રબળ પ્રમાણ છે. જ્ઞાની પુરુષ હસતાં હસતાં કર્મ વેદ છે. અજ્ઞાની રોતાં રોતાં કર્મ વેદે છે. કર્મ તો કોઈને છોડતાં જ નથી.”
અર્જુન ! તું આજે એટલી અનાસકત જ્ઞાનીની, ગુણાતીતની કે પરમ ભકતની ભૂમિકા પર નથી, છતાં તું દૈવી સંપત્તિના હૃદયશુદ્ધિ આદિ જે ગુણો ગણાય છે તે તો પામ્યો જ છે, માટે જ તારી એ ભૂમિકામાં જવા માટેની યોગ્યતા તો છે જ, અત્યારે આવેલા મોહની કાળાશને તારે દઢ નિશ્ચયથી દૂર કરવી જોઈએ.