________________
૬૪૪
ગીતા દર્શન
થાય, અને જગત ઊંધે માર્ગે ન દોરવાઈ જાય આટલી તકેદારી મારે રાખવી રહી. આટલી તકેદારી રાખવા છતાં જેની દષ્ટિ વિપરીત હશે, તે તો અવળો અર્થ પણ લેશે. પરંતુ ત્યાં નિરૂપાયતા છે.
પાંડવોમાં ધનંજય એ એક એવું અજોડ પાત્ર છે. અને મારા તરફ એની પ્રીતિ છે કે હું એના હૃદયમાં મારી આ વાત હેતુપૂર્વક સૈદ્ધાંતિક રીતે ગળે ઉતરાવી શકીશ. એટલે હું એનો રથ હાંકવાનું જ કામ કરું !
આટલી પૂર્વભૂમિકા પછી બન્ને પક્ષે યુદ્ધ શરૂ થયું છે. ગુરુ વ્યાસજીએ ચડ્યુઅંધ અને હસ્તિનાપુરમાં બેઠેલા ધૃતરાષ્ટ્ર રાજાને આ વેળાએ આવીને કહ્યું, "અહીં બેઠાં બેઠાં કુરુક્ષેત્રમાં થતું યુદ્ધ જોવું હોય તો તમને હું દિવ્યદષ્ટિ આપું, સ્થૂળચક્ષુ ના હોવા છતાં આપને દેખાશે.” રાજાએ સાફ ના પાડી. ના પાડવાના કારણમાં રકતપાત ન જોવાય એ જ સારું એમ એમને લાગ્યું હતું અને દુર્યોધનનો પક્ષ સબળ હોઈને તથા શ્રીકૃષ્ણચંદ્ર અશસ્ત્રી તરીકે રહેલા સારથિ છે એમ સાંભળેલું હોઈને દુર્યોધન જિતશે એમ એમણે માન્યું હતું, એટલે કોઠે નિરાંત પણ હતી જ. વ્યાસજીની એવી ઈચ્છા હતી કે, "રાજા અહીં બેઠાં જુએ તો એને ખબર પડે કે સંખ્યાબળ કે શસ્ત્રબળ ગમે તેટલું હોય, તોય પાંડવપક્ષના અર્જુનની વીરતા અને એ વીરતાને પ્રેરનારો-પાંડવપક્ષે રહેલો શ્રીકૃષ્ણનો યોગરૂપી આત્મા-જ્યાં હશે ત્યાં અચળ નીતિ, જય, વિભૂતિ અને શોભા હોવાનાં જ. આમ જોતાં કદાચ તેઓ પોતાના દુર્યોધન પુત્રને ફરીવાર શુભ શિખામણ આપે અને દુર્યોધન સમજી જાય તો ભારે ઉત્તમ." પણ રાજાએ ના પાડી, ત્યારે સંજય નામના એના સારથિને શ્રી વ્યાસજીએ દિવ્યદૃષ્ટિ આપી. સંજય વ્યાસગરના સેવાભાવી શિષ્ય તરીકે ઓળખાવી ગૌરવ લેતો. જ્યારે રણમાં ભીષ્મ પડ્યા, ત્યારે ખુદ શ્રીકૃષ્ણચંદ્ર એનું ઓસીકું બની ગયા. એમણે ભીષ્મને ગોદમાં લઈ લીધા અને ભીષ્મમુખે અનેક પ્રકારનો ભવ્ય ઉપદેશ કહેવડાવ્યો બન્ને પક્ષના સૂરોએ એ અમૃતનું પાન કર્યું.
ભીષ્મ જેવો નામચીન સાથી પડયા પછી દુર્યોધનપક્ષ શિથિલ થાય તે સ્વાભાવિક હતું. સંજયે આ ખબર ધૃતરાષ્ટ્રરાજાને આપ્યા, એટલે પ્રથમથી માંડીને રણના બધા સમાચાર સાંભળવા એ આતુર થઈ ગયા.
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, યુદ્ધાર્થે એકઠા થઈ; (૧-૧)
મારા ને પાંડુના પુત્રે, શું કર્યું, બોલ સંજય?' આ રીતે ગીતાની શરૂઆત છે. અને એનો સંજય પ્રત્યુત્તર આપે છે, એ પ્રથમ