________________
૬૪૨
ગીતા દર્શન
આદત હતી કે તે પોતાના થયેલાને છૂટથી આર્થિક મદદ કરતો. આને લીધે પાંડવોના વનવાસ અને ગુપ્તવાસ દરમ્યાન એણે પોતાનો પક્ષ સબળ કરી લીધો હતો. એ સત્તાના અને સબળ પક્ષના મદમાં ચકચૂર હતો. બીજી બાજુ પાંડવો નમ્ર હતા. એ નમ્રતાના ગુણને લીધે આકર્ષાયેલા અને દુર્યોધનના દુરાગ્રહથી ત્રાસેલા રાજાઓ અને ક્ષત્રિયો પાંડવોને સાથ આપવા તૈયાર હતા. બની શકે ત્યાં લગી માનવરતપાતવાળું યુદ્ધ ન થાય એમ સૌ ઈચ્છતું. શ્રીકૃષ્ણમહાત્માની પણ વિષ્ટિ તૂટી પડી અને સંધિ અશક્ય થઈ ગઈ, ત્યારે સહુ વિચારમાં પડયા.
પાંડવો રાજપાટનો હક છોડી દે તો? આ પ્રશ્ન પ્રથમ થતો. પરંતુ એ સહજ ત્યાગની ભૂમિકા પર એ આખો પાંડવપક્ષ નહોતો જ. નહિ તો માગણી જ શા સારુ કરે? પણ એક ગૃહસ્થની સામાન્ય ભૂમિકા પ્રમાણે, એ રાજ્યહકની માગણી કરે તે ન્યાયયુકત જ હતું, એ તો નિઃશંક વાત છે. આ રીતે પાંડવપક્ષમાં સંપૂર્ણ ત્યાગ અલબત્ત નહોતો, પરંતુ સદાચારની ભૂમિકા તો દઢ હતી જ. એટલે શ્રીકૃષ્ણ જેવા તટસ્થ પુરુષનો એના પક્ષમાં પૂર્ણ નૈતિક ટેકો હતો. દુર્યોધન જ્યારે શ્રીકૃષ્ણ પાસે મદદ માગવા આવ્યો; ત્યારે પોતાની ઉદાર મધ્યસ્થતા જાળવીને સૈનિકસંખ્યાની મદદ કરી અને પોતે પાંડવપક્ષે એકલા રહ્યા. આમ જોતાં હવે દુર્યોધન પાસે અગિયાર અક્ષૌહિણી સૈન્યની ભરતી થઈ. વળી દ્રોણ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય જેવા વિખ્યાત મહારથીરત્નો એની પાસે હતાં. અશ્વત્થામા, ભૂરિશ્રવા અરે વિકર્ણ જેવા અનેક શૂરો પ્રાણની આહુતિ આપવા તત્પર હતા. એક તો મદ અને આટલો સાથ એ બધાં કારણોએ દુર્યોધનના મૂળ ઉદ્ધત્તપણામાં પૂરેપૂરો ઉમેરો કર્યો. હવે તો તે એમ પણ માનતો થયો કે જેની તલવાર જોરદાર, તેનું રાજ્ય અને તેનો જ ધર્મ.'
આવી દશામાં પાંડવપક્ષે કાળ પાકયા વિના મચક મૂકવી એ આધ્યાત્મિક આપઘાત હતો. આવા આધ્યાત્મિક આપઘાતમાં સમાજધર્મ અને રાષ્ટ્રધર્મ પણ હોમાય તેમ હતું. બધાને જ્યારે ખાતરી થઈ કે પાંડવપક્ષની હાર એટલે માનવસંસ્કૃતિની હાર છે, સિદ્ધાંતની હાર છે, ત્યારે કોઈપણ હિસાબે લડી લેવા સિવાય છૂટકો ન રહ્યો !
સાત્યકિ, વિરાટ, દુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશિરાજ, પુરુજિત, કુંતીભોજ, શૈખ્ય, યુધામન્યુ, ઉત્તમૌજા, અભિમન્યુ અને દ્રૌપદીના સર્વે પુત્રો જેવા સમર્થ વીરો એની પડખે ઊભા રહ્યા. શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન એ બધા પણ એમના પક્ષમાં હતા.