________________
૪૦
ગીતા દર્શન
શ્રીકૃષ્ણગુરુ ખૂબ ખુશ થયા અને બોલ્યા : "પણ આ જ્ઞાન તું એકલપેટો ન થતાં બીજાને આપજે. તો બીજાનું પણ કલ્યાણ જ થઈ જશે. આ ગીતાજ્ઞાનનો સાંભળનાર પણ પાપથી ડરીને વર્તતો થકો શુભ લોકમાં જશે, તો આચરનારની તો વાત જ શી?
- પરંતુ સાંભળનારમાં શ્રદ્ધા અને અન્ઈર્ષાળુ ભાવ એ બે ગુણો જોઈએ અને આચરનારમાં તો તે ઉપરાંત તપ અને ભકિત પણ જોઈએ.”
"અર્જુન ! આટલું યાદ રાખજે કે આ ગીતાજ્ઞાન, તપ, ભકિત શ્રદ્ધા અને અદોષદષ્ટિ એ ચારે જેનામાં ન હોય, તેને માટે નકામું છે. ઉલટું તેવો નાસ્તિક – અસુર – તો એને ઓઠે અનર્થો કરી બેસશે !” "આ બધું અમૃત પીને તૃપ્ત થયેલો સંજય હવે ધૃતરાષ્ટ્રને સંબોધીને કહે છે:
"હે રાજન્! હરિનું અતિ અદ્ભુત રૂપ જોઈ મને ખૂબ નવાઈ થઈ. પણ યોગેશ્વર કણે સ્વયં શ્રીમુખેથી પાર્થ ધનુર્ધરને ઉદ્દેશીને જે યોગ કહ્યો છે તો સાંભળીને રોમે રોમે આનંદ વિલસી રહ્યો છે.”
"અહા ! ધન્યભાગ્ય છે કે જ્યાં આ બે જીવંત મૂર્તિઓ અથવા એ જીવંત મૂર્તિઓના બે ગુણો – આત્મભાન અને વીરતાનો સમન્વય હોય ! એ બે જ્યાં છે ત્યાં શ્રી, વિજય, વિભૂતિ અને અચલ નીતિ છે જ.
"મતલબ કે જ્યાં એ બે છે ત્યાં માનવતા, દિવ્યતા અને મુમુક્ષતા ત્રણે છે. સકળ જગત એનું મિત્ર છે. દેવો એનું પૂજન કરે છે. મોક્ષ એની નિકટમાં જ છે.